- આરોપીએ ચોરીનો ફોન ચાલુ કરતા જ CEIR પોર્ટલના ઉપયોગથી પોલીસે દબોચી લીધો
- તાલુકા પોલીસે આરોપી પાસેથી ચોરીના 12 મોબાઇલ ફોન કબજે કર્યા
શહેર-જિલ્લામાં પાર્ટી પ્લોટો તેમજ પાર્ક કરેલા વાહનોની ડીકીમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર ટોળકીના એક સાગરીતને તાલુકા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ચોરીનો ફોન ચાલુ કરતા જ CEIR પોર્ટલના ઉપયોગથી પોલીસે દબોચી લીધો હતો. આરોપી પાસેથી ચોરીના 12 મોબાઇલ ફોન કબજે કરી તેના સાગરીતોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
મળેલી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાંક સમયથી વડોદરા નજીક આવેલા પાર્ટી પ્લોટોની બહાર પાર્ક કરેલા વાહનો તેમજ અન્યત્ર સ્થળોએ પાર્ક કરેલા વાહનોની ડીકી તોડી મોબાઇલ ચોરીની અનેક ફરિયાદો તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ ફરિયાદોને લઇ તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
વડોદરા તાલુકા પોલીસે મોબાઇલ ફોન ચોરતી ટોળકીને ઝડપી પાડવા માટે CEIR પોર્ટલનો ઉપયોગ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં ચોરાયેલા મોબાઇલ ફોન પૈકી એક મોબાઇલ ફોન ચાલુ હતો. પોલીસે તે દીશામાં તપાસ શરૂ કરી હતી. મોબાઇલનો ઉપયોગ કરનાર શકદાર તરીકે 19 વર્ષીય સહેબાજ મુશીરખાન પઠાણ (રહે. ડાયા બાપુની ચાલી, ઇન્દીરાનગર, હાથીખાના, વડોદરા)ની અટકાયત કરી હતી.
પોલીસે ઝડપાયેલા સહેબાજ પઠાણની પૂછપરછ કરતા અને તેની તપાસ કરતા 12 મોબાઇલ ફોન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે રૂપિયા 1,30,500ની કિંમતના મોબાઇલ ફોન સાથે સહબાજની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સહબાજ સાથે અન્ય બે આરોપીઓ પણ બહાર આવ્યા છે. જોકે, બંને આરોપી હજુ પોલીસ ધરપકડથી દૂર છે. ફરાર આરોપીઓ પૈકી એક વાહનોની ડીકી તોડવામાં માસ્ટર હોવાનું કહેવાય છે. સહબાજ ભાયલી-વાસણા રોડ ઉપર ચોરીના મોબાઇલ ફોન વેચવાના ફીરાકમાં હતો. તે સમયે પોલીસે તેને દબોચી લીધો હતો.
તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.યુ. ગોહિલના સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ તેમજ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈ, જીતેન્દ્રસિંહ, હરપાલસિંહ, અશ્વિનભાઈ, પ્રશાંતભાઈ તેમજ કેતનસિંહ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે. બંને આરોપીઓ ઝડપાયા બાદ અન્ય મોબાઇલ ફોન ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.