- ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલ હજીરા સામેના પૂજન કોમ્પ્લેક્સના ત્રીજા માળે એક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા તંત્ર દોડતું થયું હતું બનાવને પગલે તુરંત ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમગ્ર માળ ઉપર અને મકાનમાં ધુમાડો પ્રસરી જતા ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી કામગીરી કરવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરના પ્રતાપ નગર રોડ ઉપર હજીરા ની સામે આવેલા પૂજન કોમ્પલેક્ષમાં ત્રીજા માળે જગદીશભાઈ પંચાલ તેમના બે બાળકો અને પત્ની નિર્મળાબેન સાથે રહે છે. બુધવારે બપોરે 12:30 થી 1:00 વાગ્યાના અરસામાં નિર્મળાબેન રસોઈમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટને કારણે તેમના મકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જેથી ત્વરિત તેઓ મકાનની બહાર આવી ગયા હતા. જોતામાં ધુમાડાના ગોટા મોટી માત્રામાં નીકળતા આખા કોમ્પ્લેક્સના લોકો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જોકે આગનો ધુમાડો આખા ત્રીજા માળ ઉપર લોબીમાં પણ પ્રસરી જતા ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજનના માસ્ક પહેરીને કામગીરી કરવાની ફરજ પડી હતી સદ્નસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાની માહિતી મળી હતી.