વડોદરાથી શુક્રવારે આસ્થા ટ્રેનમાં અયોધ્યા દર્શન માટે નીકળેલા વડોદરા નજીકના સુંદરપુરા ગામના 67 વર્ષના શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને હૃદય રોગના હુમલાથી મોત થયું હતું જેના કારણે ટ્રેનમાં સવાર અન્ય શ્રદ્ધાળુઓ દુઃખી થઈ ગયા હતા.
અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રી રામજીના દર્શન માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓને લઈ જવા માટે ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. વડોદરાથી પણ શુક્રવારે બપોરે 1400 શ્રદ્ધાળુઓને લઈને આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી. આ ટ્રેનમાં સુંદરપુરા ગામના 67 વર્ષના રમણભાઈ બાબુભાઈ પાટણવાડીયા પણ સવાર હતા. તેઓને શુક્રવારે રાત્રે 1.00 વાગ્યાની આસપાસ છાતીમાં દુખાવો થતાં ગભરામણ થવા લાગી હતી.
આ દરમિયાન આ ટ્રેનમાં સાથે જઈ રહેલા યાત્રાના ઇન્ચાર્જ અને વડોદરાના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેને જાણ થતા તેઓએ રમણભાઈને સીપીઆર આપ્યું હતું. જેના થકી રમણભાઈને સારું લાગ્યું હતું. દરમિયાન ટ્રેન મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને રમણભાઈને ત્યાં ઉતારી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.