- 51 વર્ષીય દિલીપભાઇ માલુસરેને આજે ઘરે ઊલટી અને ગભરામણ થતાં તુરંત જ સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબી ટીમે મૃત જાહેર કર્યા હતા
વડોદરામાં ગરમીએ હાહાકાર મચાવી મૂક્યો છે. અસહ્ય ગરમીએ અનેકના ભોગ લીધા છે, ત્યારે આજે શહેરના છાણી પોલીસ હેડ ક્વાર્ટરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. તેઓ આજે ઘરે ઊલટી અને ગભરામણ થતાં તુરંત જ સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબી ટીમે મૃત જાહેર કર્યા હતા. જવાનના મોતે પોલીસ બેડામાં ગમગીની ફેલાવી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વૈકુંઠ-1માં રહેતા 51 વર્ષિય દિલીપ માલુસરે છાણી પોલીસ હેડ કવાટર્સમાં એએસઆઇ તરીકેની ફરજ બજાવતા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓને ઉલટી થઈ રહી હતી. આ દરમિયાન આજે સવારે ગભરામણ થતાં પરિવારજનો 108 મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબી ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. દિલીપ માલુસરે અગાઉ વરણામા પોલીસ મથકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓને પેરાલિસીસનો એટેક આવતા ચૂંટણી પૂર્વે તેઓની છાણી પોલીસ હેડ કવાટર્સ ખાતે બદલી કરાઈ હતી. ત્યારથી તેઓ છાણી હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવી રહ્યા હતા.જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓની તબિયત બગડી હતી. આજે પણ તબિયત બગડી હતી. તેઓને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ, તેઓ બચી શક્યા ન હતાં.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાદળો સાથે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું છે. લોકોના ઘરોમાં સતત પંખા, એસી, કુલરો ધમધમી રહ્યા છે. બપોરના સુમારે રાજમાર્ગો સુમસામ રહ્યા છે. તો બીજી તરફ ગરમીના કારણે ગભરામણ ચક્કર આવવાના કિસ્સામાં વધારો થઇ ગયો છે, ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજતાં શહેર પોલીસ તંત્રમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.