- કલાલી ગામે આવેલા પાનપરાગ નામના ફાર્મ હાઉસમાંથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યુ કરાયું
વડોદરા શહેરમાં પૂર બાદ હજી પણ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓને મગરોના રેસ્ક્યુ માટે સતત કોલ આવી રહ્યા છે. ત્યારે આજે વડોદરાના નવલખી મેદાનમાંથી 5 ફૂટના મગરને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો. તો વડોદરાના કલાલી ખાતે ફાર્મ હાઉસમાંથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે 4 કલાકની જહેમત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો.
વડોદરા શહેરના નવલખી મેદાનમાં કુત્રિમ તળાવ નજીક MGVCLના કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક ત્યાં મગર આવી ચઢ્યો હતો. જેથી કામગીરી કરવામાં અડચણ ઉભી થઈ હતી. જેથી MGVCLની ટીમે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો હતો.
બીજી તરફ શહેરના કલાલી ગામમાં આવેલા પાનપરાગ ફાર્મ હાઉસમાં બતકો માટે તૈયાર કરાયેલા તળાવમાં એક મગર આવી ચઢ્યો હતો. જેથી સ્થાનિક લોકોએ તળાવમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યુ હતું અને તાત્કાલિક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. જેથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પુષ્પક કોટીયા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. મગર પાણીમાં હોવાથી તેને રેસ્ક્યુ કરવામાં ખૂબ મુશ્કેલી આવી હતી. જો કે, 4 કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસમાં 50થી વધુ મગરોને વન વિભાગની ટીમે વિવિધ સંસ્થાઓ સાથે મળીને રેસ્ક્યુ કર્યું છે. આ મગરો વડોદરા શહેરના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. જેથી આ તમામ મગરોને રેસ્ક્યુ કરીને ફરીથી નદીઓમાં છોડી દેવામાં આવ્યા હતા. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ વન વિભાગની ટીમ વિવિધ સંસ્થાઓ સાથે મળીને સતત મગરો અને સાપ સહિતના વન્ય જીવોના રેસ્ક્યુ કરી રહી છે.