સયાજી હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં સારવાર લઇ લેતા 40 વર્ષીય દર્દીનું મોત!, હાલ 2 દર્દી વેન્ટિલેટર પર

હાલ ગરમીના કારણે સયાજી હોસ્પિટલમાં 18 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે

MailVadodara.com - A-40-year-old-patient-died-while-being-treated-in-the-heat-stroke-ward-of-Sayaji-Hospital-2-patients-are-currently-on-ventilators

- મૃતકના પરિવારજને કહ્યું- તેઓને કોઇ જ બીમારી ન હતી

- મોત અંગે સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હજુ પણ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે લોકો શેકાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં હજુ પણ ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ વધુ છે ત્યારે બીજી તરફ ગરમીને પગલે નાગરિકોની તબિયત લથડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ચક્કર આવવા, ઝાડ ઉલટી, છાતીમાં દુખાવો સહિતના વિવિધ બીમારી ધરાવતા દર્દીઓ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોય છે ત્યારે હાલમાં ગરમીના કારણે 18 જેટલા દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે. જેમાં 24 કલાકમાં એક દર્દીનું મોત નીપજ્યું છે.

હાલમાં વડોદરામાં ગરમીના કારણે સયાજી હોસ્પિટલમાં 18 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે, જેમાં ગરમીના કારણે એકનું દર્દીનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ 18માંથી 14 પુરુષ અને 4 સ્ત્રી દર્દીઓ છે. જેમાં કો-મોબિડિટી સાથે ગરમીની બીમારીના 7 અને કો-મોબિડિટી વિનાના 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ દર્દીઓમાંથી હાલમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

શહેરના રેનબસેરા સલાટવાળામાં રહેતા 40 વર્ષીય સુરેશભાઈ મોતીભાઈ રાજપૂતને 26 તારીખે બેભાન થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓનું આજે સારવાર દરમિયાન મેડિસિન યુનિટ-Bમાં હિટ સ્ટ્રોક વોર્ડમાં મરણ પામતા મોત અંગે સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પરિવારજને જણાવ્યું હતું કે, તેઓને કોઈ જ બીમારી ન હતી.

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું હતું કે, હાલમાં ગરમીના કારણે પેશન્ટ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતક વ્યક્તિ ગરમીના કારણે મૃત્યુ પામ્યો છે તે બાબતે ચોક્કસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે પરંતુ, હાલમાં અન્ય કેટલીક બીમારીથી પીડાતા લોકને પણ શ્વાસ લેવામાં, ગભરામણ અને ગરમીની અસર થતી હોય છે. જેથી, મૃત્યુ અંગે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ તુલસીવાડીમાં રહેતા 55 વર્ષના રાજેશ સોલંકીને કારેલીબાગ પાણીની ટાંકી પાસેના વિસ્તારમાં અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા 37 વર્ષીય શંકરભાઇ કામોજીયાને શ્વાસ લેવામાં તકલીફ થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments