વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં 9 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર, આગામી બે દિવસમાં ટર્મિનેટ કરાશે

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 3 તાલુકાના ટીપીઓ પાસે શિક્ષકોની વિગતો મંગાવી

MailVadodara.com - 9-teachers-absent-from-Vadodara-Zilla-Panchayat-run-primary-schools-for-long-period-to-be-terminated-in-next-two-days

- શિક્ષકો વિદેશમાં હોવા છતાં અહીં તેમની ફરજ શાળામાં બોલતી હોવાના ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા, 9 શિક્ષકો પૈકી 7 વિદેશ છે અને 2 શિક્ષકો બીમાર 

શિક્ષિત અને વિકસિત ગુજરાતમાં ગુલ્લેબાજ શિક્ષકોના મુદ્દાએ જોર પકડ્યું છે. અનેક શિક્ષકો વિદેશમાં હોવા છતાં અહીં તેમની ફરજ શાળામાં બોલતી હોવાના ચોકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં 9 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાથી અને રાજીનામા મંજૂર નહિ થયા હોવાથી તેમની જગ્યા પણ પુરાતી નહી હોવાને કારણે બાળકોને અન્યાય થઇ રહ્યો છે. આ શિક્ષકોને આગામી બે દિવસમાં ટર્મિનેટ કરી દેવામાં આવશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

શિક્ષકોની ગેરહાજરી અને ભૂતિયા શિક્ષકોના મુદ્દાએ હાલ રાજ્યમાં જોર પકડ્યું છે. ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે પણ બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હતો. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ત્રણેય તાલુકાના ટીપીઓ પાસે શિક્ષકોની વિગતો મંગાવી હતી. ઉપરોક્ત શિક્ષકોને નોટિસો પણ મોકલવામાં આવી છે.પરંતુ તેની પણ કોઇ અસર નથી.જેને કારણે તેમની ખાલી જગ્યા પર કોઇ બીજા શિક્ષકને મૂકી શકાતા નથી.

વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં પાદરા તાલુકાના ચાર, કરજણ તાલુકાના ચાર અને વડોદરા તાલુકાના એક શિક્ષક એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે. આ પૈકી મોટા ભાગના શિક્ષકો વિદેશ ગયા છે. જ્યારે એક શિક્ષક લાંબા સમયથી બીમાર છે. વળી ટેકનિકલ કારણોસર તેમના રાજીનામા મંજૂર થઇ શકયા નથી.જેને કારણે શિક્ષક તરીકે તેઓ રેકોર્ડ પર ચાલુ છે. પરંતુ તેમની જગ્યા ભરી શકાતી નથી.

કઇ સ્કૂલના કયા શિક્ષક ગેરહાજર

શિક્ષકનું નામ                સ્કૂલનું નામ

જાગૃતિબેન મેવાડા        ટીંબીપુરા,પાદરા તાલુકો

કોમલબેન બારોટ    સોખડારાઘુ,પાદરા

ઇન્દ્રજિત સિસોદીયા    ધોરીવગા, પાદરા

પટેલ વૈશાલીબેન    લકડીકૂઇ,  પાદરા

સોનિકાબેન કરણ       ગણપતપુરા, પાદરા

કોમલબેન ત્રિવેદી    મીયાગામ, કરજણ

પ્રવિણભાઇ સોલંકી    બોડકા,  કરજણ

પ્રકાશભાઇ વાળંદ    ચોરંદા, કરજણ 

ભાવિકાબેન પટેલ    બીલ ગામ, વડોદરા તાલુકો

ઉપરોક્ત શિક્ષકો સામે શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે તે સમયે વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 9 શિક્ષકો સામે શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવી હતી અને આ શિક્ષકો સામે બે જ દિવસમાં ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. હાલ વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 9 શિક્ષકો પૈકી 7 વિદેશ છે અને 2 શિક્ષકો બીમાર છે. આ તમામ શિક્ષકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગેરહાજર છે. આ કુલ 9 શિક્ષકોમાં પાદરા તાલુકાના 4, કરજણ તાલુકાના 4 અને વડોદરા ગ્રામ્ય 1 એમ કુલ મળીને 9 સામે ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, આદેશ અપાયાના બીજા જ દિવસે ભૂતિયા શિક્ષકો પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે 151 શિક્ષકોને બરતરફ કર્યા છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહીમાં છોટાઉદેપુરમાં 16 જેટલા શિક્ષક અને બનાસકાંઠામાં 18 એમ વિવિધ જિલ્લાઓમાં મળી કુલ 151 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share :

Leave a Comments