- વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 10માં 47,631 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વડોદરા જિલ્લામાં પરિણામ ખૂબ જ સારું રહ્યું છે. વડોદરા જિલ્લામાં 77.20 ટકા પરિણામ જાહેર થતા ગત વર્ષ કરતા 15 ટકા જેટલું વધારે પરિણામ આવ્યું છે. આ પરિણામને જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 10માં રેગ્યુલર 36,358 સાથે અન્ય મળી કુલ 47,631 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પૈકી 1067 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવી છે. 27924 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શહેર-જિલ્લામાં 4 ઝોનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ઝોન-1માં 12, ઝોન-2માં 11, ઝોન-3માં 10 અને ઝોન-4માં 12 મળી કુલ 45 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ધોરણ-10માં 13 વિદ્યાર્થીઓએ વડોદરા સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપી હતી.
મહત્વની બાબત છે કે, ગત વર્ષે ધોરણ 10નું પરિણામ વડોદરા જિલ્લામાં 62.24 ટકા હતું, જે આ વર્ષે વધીને 77.20 ટાકાએ પહોંચ્યુ છે. એટલે કહી શકાય કે, આ વર્ષે 15 ટકા જેટલું પરિણામ વધુ છે. જેમાં નિષ્ણાતોનું કહેવું છે કે, પરીક્ષા પદ્ધતિમાં થયેલ ફેરફારના કારણે પરિણામ ખૂબ સારું આવ્યું છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને એમસીક્યુ અને જનરલ ઓપ્શનના કારણે પરિણામમાં ફેરફારો થયા છે. મહત્વનું છે કે, ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ધોરણ 10નું પરિણામ પણ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાની 43 સ્કૂલો એવી છે જેનું 100 ટકા પરિણામ આવ્યુ છે અને માત્ર 2 સ્કૂલો એવી છે જેનું પરિણામ 10 ટકાથી નીચે રહ્યુ છે. 30 ટકાથી ઓછું પરિણામ આવ્યુ હોય તેવી સ્કૂલોની કુલ સંખ્યા 13 જેટલી થવા જાય છે.