- ડોગ માલિકની ધમકી, મારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ
વડોદરાના તરસાલીમાં મંગલા ગ્રીન સોસાયટીમાં રહેતા વર્ષાબેન પાંડેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે 9:30 વાગે હું તથા મારી દીકરી અમારા ફ્લેટમાં નીચે વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. તે વખતે અમારી સોસાયટીમાં રહેતા શશીકાંત મોઘે તેમનું જર્મન શેફર્ડ પાલતુ કૂતરું લઈને નીકળ્યા હતા. સોસાયટીના તમામ રહીશો તેમના વિરુદ્ધમાં હોય તેઓ ગઈકાલે રાત્રે મારી સામે આંખો કાઢીને જોતા હતા અને મને તેઓ દારૂ જેવા કેફીનો નશો કરેલો હોય તેવું લાગ્યું હતું. શશીકાંતભાઈએ તેમના જર્મન શેફર્ડ ડોગનો પટ્ટો છોડી કંઈક ઈશારો કરી અમારા તરફ દોડાવ્યું હતું. ત્યાર બાદ તે ડોગ મારી પાસે આવી મારી દીકરી (ઉં.વ. 7)ને જમણા પગના ઘૂંટણના નીચેના ભાગે બચકું ભરી લોહીલુહાણ કરી દીધી હતી. સોસાયટીના રહીશો ભેગા થઈ જતા શશીકાંતભાઈએ મને ધમકી આપી કહ્યું હતું કે, તું મારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ ત્યારબાદ તેઓ તેમનું ડોગ લઈને જતા રહ્યા હતા.
અગાઉ પણ તેમના ડોગ બાબતે આ એપાર્ટમેન્ટના રહીશો સાથે ઝઘડો થયો હતો અને તેમના પત્નીએ ગત છઠ્ઠી જૂને એક મહિનામાં ડોગ હટાવી દઈશું તેવી બાહેંધરી આપી હતી. તેમ છતાં તેઓએ પોતાનો ડોગ બીજી જગ્યાએ શિફ્ટ કર્યું ન હોતું.
આ મામલા પીડિત મહિલાની દીકરીને ડોગે બચકું ભરતા લોહીલુહાણ થઇ ગઇ હતી. આ બાદ દીકરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની સ્થિતી સારી હોવાનુ જાણવા મળ્યું છે. ડોગ માલિક સામે મહિલાએ ફરીયાદ નોંધાવી છે જે મામલે મકરપુરા પોલીસે વધું તપાસ હાથ ધરી છે.