- જય અંબે વિદ્યાલયમાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ ગરબે ઘૂમ્યાં
આજે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરા જિલ્લાનું 67.19 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે વડોદરાનું 76.49% પરિણામ આવ્યું હતું. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે 9.30 ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે. વડોદરામાં 55 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવે છે. વડોદરાની જય અંબે વિદ્યાલયમાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરબે રમ્યા હતા.
વડોદરામાંથી 17798 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 11926 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે 5872 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકંદરે પેપરો સરળ નિકળ્યા હતા. આમ છતાં વડોદરાના પરિણામમાં ગત વર્ષ કરતા 9.30 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે વડોદરાનું પરિણામ 76.49 ટકા રહ્યું હતું.
આજે પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જોવા માટે ધસારો કર્યો હતો. એ પછી શહેરની સ્કૂલોમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓના ટોળા જોવા મળ્યા હતા.
2021માં તો કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પણ તેના પહેલા 2020 માં વડોદરાનુ સામાન્ય પ્રવાહનુ પરિણામ 71.03 ટકા આવ્યુ હતુ. જ્યારે 2022 માં વડોદરાનુ પરિણામ 76.49 ટકા અને આ વખતે 67.19 ટકા રહ્યુ છે.
ધોરણ 12 કોમર્સમાં 99.85 પર્સન્ટાઈલ મેળવનાર પ્રથમ પંચાલે જણાવ્યું હતું કે, હું રોજના છ થી સાત કલાક અભ્યાસ કરતો હતો અને ખૂબ જ મહેનત કરી હતી, તેનું મને આ પરિણામ મને મળ્યું છે હું આગળ સીએનો અભ્યાસ કરવા માંગુ છું.
ધોરણ 12 કોમર્સમાં 99.41% મેળવનાર ઋત્વિ શાહે જણાવ્યું હતું કે, મારી રાત-દિવસની મહેનતનું પરિણામ મને મળ્યું છે, જેનો શ્રેય મારા માતા-પિતાને આપું છું. આ ઉપરાંત મારા ટીચર્સ એ મને ખૂબ જ મોટીવેટ કરી હતી, જેના કારણે હું સારું પરિણામ મેળવી શકી છું. હું આગળ સીએનો અભ્યાસ કરી અને આગળ વધવા માંગું છું.
વડોદરાની જય અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ પરેશ શાહે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે રીઝલ્ટ ઓછો આવ્યું છે પરંતુ, આ વિદ્યાર્થીઓએ કોરોના કાળમાં ધોરણ 10ની પરીક્ષા આપી નથી અને પ્રમોશન પાસ થયા હતા. જેથી આપણે ભૂતકાળના પરિણામોને આ વર્ષના પરિણામો સાથે સરખાવી ન શકીએ કારણ કે વિદ્યાર્થીઓ ધો.10ની પરીક્ષા આપી નહોતી. આ વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરીને સારું પરિણામ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતા આ વખતે સમગ્ર રાજ્યનુ પરિણામ ઘટયુ છે અને તેની અસર વડોદરા પર પણ દેખાઈ છે. સૌથી વધુ ટકાવારી મેળવનારા જિલ્લાઓમાં વડોદરા જિલ્લો પંદરમાં ક્રમે રહ્યો છે.