ગૂગલ મેપ પર રિવ્યૂ આપી પૈસા કમાવવાની લાલચ આપી 4 ભેજાબાજોએ રૂપિયા 82.72 લાખ પડાવ્યા

અકોટા વિસ્તારમાં રહેતા બિઝનેસમેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 4-fraudsters-extorted-Rs-82-72-lakh-by-offering-reviews-on-Google-Maps-to-earn-money

- ભેજાબાજોએ વીઆઇપી એકાઉન્ટ ખોલાવવા માટે 2 કરોડની માંગણી કરી બિઝનેસમેન પાસેથી ધીમધીમે રૂપિયા 82.72 લાખ પડાવ્યા

જો તમને કોઇ ટાસ્ક પૂરા કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપે તો ચેતી જજો. આજકાલ સોશિયલ મીડિયા પર પૈસા કમાવવાની અનેક જાહેરાતો તમે જોઇ હશે. કારણ કે, ગૂગલ મેપ પર રિવ્યૂ આપીને પૈસા કમાવવાની લાલચ આપીને વડોદરાના બિઝનેસમેન પાસેથી 4 ભેજાબાજોએ 82.72 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા બિઝનેસમેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 30 ડિસેમ્બર-2023ના રોજ મારા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, હું ભારતમાંથી મીસ પૂજા છું. હું હાલ HCL ડીજીટલ ટ્રાન્સફોર્મ કંપનીમાં કામ કરું છું. હું અમારા ઇન્ડિયા ફોક્સ પ્રોજેક્ટ અંગે તમારી સાથે કેટલીક માહિતી શેર કરવા માંગું છું. તમે તમારી નોકરી છોડ્યા વિના ઘરે બેઠા કે ઓફિસથી આ પ્રોજેક્ટમાં જોડાઇ શકો છે. તમે ફુલટાઇમ કે પાર્ટટાઇમ કામ કરી શકો છે. જેથી મેં પાર્ટટાઇમ કામ કરવા માટે માહિતી માગી હતી.

જેથી સામેથી મહિલાએ કહ્યું હતું કે, તમારે ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના રહેશે. જેમાં તમારે ગૂગલ મેપ પર જઇને 5 સ્ટાર આપવાના રહેશે. જે થઈ ગયા બાદ 1 કે 2 મિનિટમાં તમને તમારા નાણાં તમારા એકાઉન્ટમાં UPI દ્વારા આપવામાં આવશે. જેનાથી તમે રોજના 2થી 8 હજાર રૂપિયા સુધી કમાઈ શકશો. ત્યારબાદ મને ઇન્ટરવ્યૂ ટાસ્ક આપવા માટે જણાવ્યું હતું. જેથી મને તેઓએ લિંક મોકલી આપી હતી. જેને મેં 5 સ્ટાર આપીને સ્ક્રીન શોટ સાથે તે નંબર પર મોકલી આપી હતી. ત્યારબાદ સેલેરી કોડમાં 150 રૂપિયા જમા થયા હતા.

શરૂઆતમાં 24 જેટલા ટાસ્ક આપીને મને રૂપિયા આપીને વિશ્વાસમાં લીધો હતો. ધીમેધીમે ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું અને લાખો રૂપિયાની પેનલ્ટીઓ લગાવી હતી અને વીઆઇપી એકાઉન્ટ ખોલાવવા માટે 2 કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી. આમ ધીમધીમે મારી પાસેથી 82.72 લાખ રૂપિયા પડાવ્યા હતા, જે પરત આપ્યા નથી. જેથી મે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તમને પણ જો કોઇ ટાસ્ક પૂરા કરવાના બહાને રૂપિયાની કમાણી કરવાની લાલચ આપે તો સાવધાન થઈ જજો. કોઇપણ પ્રકારના રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર ન કરવાની વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે અપીલ કરી છે.

Share :

Leave a Comments