- ટ્રક ડ્રાઇવર ટ્રક લઈને ભાગવા જતાં ત્રણ શખસોએ પોલીસ ભવન સુધી પીછો કર્યો હતો, ટ્રક ચાલકે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ પાસે રાત્રિના સમયે ત્રણ શખસે ટ્રકને રોકીને ટ્રકના ડ્રાઇવર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગન જેવી વસ્તુ બતાવીને ટ્રકના કાચ તોડી નાખ્યા હતા. જેથી ટ્રક ડ્રાઇવર ટ્રક લઈને ભાગી ગયો હતો. જો કે, ત્રણ શખસે પોલીસ ભવન સુધી ટ્રકચાલકનો પીછો કર્યો હતો અને પછી તેઓ ભાગી છુટ્યા હતા. આ મામલે રાવપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે, લૂંટના ઇરાદે આ શખસો આવ્યા હતા કે પછી ડ્રાઇવરની હત્યાનો ઈરાદો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સુરતમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવિંગ તરીકે નોકરી કરતા મોહંમદનવાબ મોહંમદઅકમલ ખાને રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અમારી સુરત, અમદાવાદ ટ્રાન્સપોર્ટ પ્રા.લિ.ની ટ્રક સુરત ખાતેથી માલ ભરી વડોદરા આવ્યો હતો અને વડોદરામાં માલ ખાલી કરી સાંજે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે આવીને સુરત, અમદાવાદ ટ્રાન્સપોર્ટ પ્રા.લી. કંપનીના ગોડાઉનમાં માલ ભરાવવા માટે ગાડી મુકી હતી. ગાડી ભરાય જતા રાત્રે 9:10 વાગ્યે સુરત જવા નીકળ્યો હતો અને આરાધના સિનેમા પાસે રોડ ક્રોસ કરતો હતો.
આ સમયે રોડ ઉપર કટ પાસે પહોંચતા રાત્રિના આશરે 9.15 વાગ્યાની આસપાસ એક બાઇક ઉપર ત્રણ સવારી ઇસમો આવ્યા હતા અને એકદમ મારા ટ્રકની સામે બાઇક ઉભી રાખી દીધી હતી. તેમાંથી એક ઇસમ મારી પાસે આવ્યો હતો અને મને ગાળો બોલીને મને મારવા લાગ્યો હતો અને બીજો ઇસમ ટ્રકના બીજા દરવાજે લટકીને ગાળો આપવા લાગ્યો હતો અને મને માર મારનાર ઇસમે તેની પાસે રહેલ ચપ્પુ કાઢી મને મારવા જતા મેં ટ્રકનો દરવાજો ખેચી બંધ કરી દીધો હતો. જેથી તેણે ચપ્પુ વડે ટ્રકના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો અને બીજા ઇસમે ટ્રકના આગળના ભાગે ચઢીને ગન જેવી વસ્તુ તેના હાથમાં હતી, તેના વડે ટ્રકના ડ્રાઇવર સાઇડનો આગળનો કાચ તોડી નાંખ્યો હતો અને મને ગન જેવી વસ્તુ બતાવી હતી, જેથી હું ગભરાઇ ગયો હતો, જેથી હું ટ્રક આગળ ચલાવી ભાગવા લાગ્યો હતો
આ સમયે તેના હાથમાં રહેલી ગન જેવી વસ્તુ મારી ટ્રકમાં પડી ગઈ હતી અને દરવાજામાં સાઇડમાં લટકેલ ઇસમ નીચે ઉતરી ગયો હતો અને હું ટ્રક લઇને ભાગવા લાગતા આ ત્રણેય ઇસમ બાઇક લઇને મારી પાછળ પાછળ જેલ રોડ સુધી આવ્યા હતા. ચાલુ બાઇકે ટ્રકને મારતા હતા અને મેં મારી ટ્રક પોલીસ ભવન લખેલી બિલ્ડિંગ આવતા તેની અંદરના રસ્તા તરફ વાળી દીધી હતી, જેથી આ ત્રણેય ઇસમો તેની બાઇક લઇને સીધા રોડે નિકળી ક્યાક જતા રહ્યા હતા. આ ઇસમો જતા રહ્યા બાદ મારા ટ્રકમાં પડેલ ગનને મેં હાથમાં લઇ જોતા રમકડાની એરગન નીકળી હતી અને તેમાં કોઇ ગોળી નહોતી. આ મામલે મેં રાવપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.