તરસાલી રોડ પર મોલ પાસેથી બે બાઇક પર જતા ૩ રીઢા ચોર ઝડપાયા, રૂા.2.47 લાખનો મુદ્દામાલ જપ્ત

ONGC સામેની સોસાયટીમાં દોઢ મહિના પહેલા કરેલી ચોરીનો ભેદઉકેલાયો

MailVadodara.com - 3-habitual-thieves-caught-on-two-bikes-from-the-mall-on-Tarsali-Road-valuables-worth-Rs-2-47-lakh-seized

- પોલીસે તપાસ કરતાં દાગીના, જેકેટ, માસ્ક અને ચોરીના સાધનો મળ્યા

શહેરના તરસાલી રોડ પર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે બાઇક પર જતા ત્રણ રીઢા ચોરને ઝડપી પાડતાં દોઢ મહિના પહેલાં કરેલી ચોરીનો ભેદ ખૂલ્યો છે. ચોરીના ગુનામાં ફરાર ૩ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી ૨.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તેઓની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મકરપુરા રોડ પર ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઇ તા.૩૦મી જુલાઇએ ત્રાટકેલા ચોરો દાગીના સહિત રૂપિયા ૬.૮૦ લાખની મત્તા ચોરી ગયા હતા.જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને હેતલ તુવેરની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરતાં આ ગુનામાં નામચીન જોહરસિંગ બાવરી (સિકલીગર) અને તેના સાગરીતો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તરસાલી રોડ પરથી જોહરસિંગ અને અન્ય બે સાગરીતોને બે બાઇક પરથી ઝડપી પાડી તપાસતાં તેમની પાસેથી ૨૩,૪૮૦ રોકડ રકમ, ૧.૦૮ લાખના સોના-ચાંદીના દાગીના સહિત ૨.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ  ઉપરાંત ત્રણ જેકેટ, માસ્ક, ટોપી અને ચોરી કરવા માટેના ગણેશિયું, ડિસમિસ સહિતના સાધનો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમણે પારસમણી સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી.

પોલીસના કહ્યા મુજબ, ત્રણેય સાગરીતો રીઢા છે. જોહરસિંગ દિલિપસિંગ બાવરી (રહે. જલારામ નગર ડભોઇરોડ હાલ (રહે. વિશ્વકર્મા નગર, સૂએજ પંપિંગ સ્ટેશન પાસે, ગાજરાવાડી) સામે ખૂન, ધાડ, ચોરીઓ સહિતના કુલ ૪૬ ગુના નોંધાયેલા છે. જ્યારે વિજેન્દ્ર રાજુસિંગ તિલપિતિયા (રહે. એકતા નગર, આજવા રોડ) સામે લૂંટ, અછોડાતોડ, ચોરી જેવા ૨૪ ગુના અને કર્માસિંગ જીવણસિંગ દૂધાની (રહે. તરસાલી બાયપાસ પાસે વુડાના મકાનમાં) સામે ચોરી સહિતના ૧૬ ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments