- શહેરના ઝોન-4માં આવતા બાપોદ, વારસિયા, સીટી અને હરણી પોલીસ મથકમાં વર્ષ 2019થી આજ સુધી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો
ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે. વડોદરા શહેરના ઝોન-4માં આવતા 4 પોલીસ મથકમાં પકડાયેલ અધધ રૂપિયા સાડા ત્રણ કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના ઝોન-4માં આવતા બાપોદ, વારસિયા, સીટી અને હરણી પોલીસ મથકમાં વર્ષ 2019થી આજદિન સુધી પકડાયેલ રૂપિયા 3.5 કરોડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો શહેરના દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેને જોવા માટે લોકો પણ આવ્યા હતા.
વડોદરા પોલીસ ઝોન ચારના ડિસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, શહેરના વારસિયા, બાપોદ, સિટી, હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને DCP ACP અને ચારેય પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અવાર નવાર વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સરહદી રાજ્યો મધ્યપ્રદેશ, રાજેસ્થાન, મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે. અનેકવાર પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી તો કરે છે, છતાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. આટલા મોટા વિપુલ પ્રમાણમાં દારૂનો નાશ અને તે પણ માત્ર 4 પોલીસ મથકનો તે આ દારૂબંધીવાળા ગુજરાતમાં વિચારવાલાયક બાબત છે.