- સગીરા અને આરોપી એક જ ગામમાં આડોશ પાડોશમાં રહેતા હોવાનું જાણવા મળ્યું
- માંજલપુર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
વડોદરામાં 16 વર્ષની સગીરા ઉપર 23 વર્ષના યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. માંજલપુર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની આણંદથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ આણંદ જિલ્લાના અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 26 ફેબ્રુઆરીના રોજ મારી દીકરી સવારે 11 વાગ્યે કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગઈ હતી અને સાંજ સુધી પરત આવી નહોતી. જેથી અમે અમારા સગા-સબંધી અને આજુબાજુમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન 27 ફેબ્રુઆરીના રોજ સાંજના 7 વાગ્યની આસપાસ મારી બહેનનો મારા દીકરા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારી બહેન મારા ઘરે આવી છે. જેથી હું તેને લઇને આવી છું, જેથી તું તેને કિર્તીસ્તંભ ખાતે આવીને લઇ જા. જેથી મારો દીકરો કિર્તીસ્તંભ ગયો હતો અને મારી દીકરીને લઇને ઘરે આવ્યો હતો. ત્યારબાદ મેં મારી દીકરીને ક્યાં ગઈ હતી તે બાબતે પૂછપરછ કરતા તેણે મને જણાવ્યું હતું કે, ગત 26 ફેબ્રુઆરીના રોજ મારો મિત્ર વિજય ગોવિંદભાઈ વાઘેલા (ઉ.23, રહે.આણંદ)ને મેં ફોન કર્યો હતો. જેથી તેણે મને કહ્યું હતું કે, ચાલ આપણે લગ્ન કરી લઇએ. જેથી મેં હા પાડી હતી. જેથી વિજય વાઘેલાએ મને માંજલપુર વિસ્તારમાં બોલાવી હતી. જેથી હું ત્યાં ગઈ હતી. આ સમયે વિજય બાઇક લઇને આવ્યો હતો અને મને બાઇક ઉપર બેસાડીને લઈ ગયો અને ત્યાં તેણે મને બાથમાં ભીડીને મારી સાથે શારીરિક અડપલાં કર્યાં હતા, ત્યારબાદ તે મને માસીના ઘરે મુકીને જતો રહ્યો હતો અને આ પહેલાં વિજય વાઘેલા ડિસેમ્બર-2023માં મને મળવા માટે આવ્યો, ત્યારે તેણે મારી સાથે અવધુત ફાટક પાસે આવેલા એક ફ્લેટમાં મારી સાથે શરીર સંબંધ બાંધેલ હતો. સગીરા અને આરોપી યુવક અગાઉ એક જ ગામમાં અને આડોશ પાડોશમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે. પાંડવે જણાવ્યું હતું કે, આ મામલે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી વિજય વાઘેલાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.