- ઓળખકાર્ડ વગરના 80 જેટલા માછીમારો હજુય પાકિસ્તાની જેલમાં છે
- વડોદરા પહોંચેલા માછીમારોનું મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સ્વાગત કરાયું
ભારત સરકાર તથા ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાનના કબજામાં રહેલા ગુજરાત રાજ્યના 171 માછીમારો સહિત 200 માછીમારોને તા.2 જૂન 2023ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને બસ મારફતે તેઓના માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા માછીમારોમાં માદરે વતન જઇ પરિવારને મળવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરવામાં આવેલા 200 માછીમારોને તા. 2 જૂન 2023ના રોજ વાઘા બોર્ડર ખાતેથી ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ગુજરાત મત્સ્યઉદ્યોગ ખાતાની ટીમ દ્વારા તેઓને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ટ્રેન મારફતે આજે વહેલી સવારે 200 માછીમારો વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંરયા હતા. વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલા માછીમારોનું મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની જેલમાંથી બે વર્ષ બાદ મુક્ત થયેલા ગોરખપુરના માછીમારે કહ્યું કે, અમે પાકિસ્તાનની જેલમાંથી નીકળ્યા તેના બે દિવસ પહેલાં એક માછીમારનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાનની જેલમાં યોગ્ય તબીબી સારવાર મળતી ન હોવાથી માછીમારો જેલમાં દમ તોડી રહ્યા છે. અમે જેલમાં હતા તે સમયગાળા દરમિયાન 12 જેટલા માછીમારોના મોત નીપજ્યા છે. પાકિસ્તાની જેલમાં જમવાનું પણ સારી રીતે આપતા નથી, અનેક યાતનાઓ પાકિસ્તાની જેલમાં મોગવવી પડે છે.
ઉના તાલુકાના પાજેડી ગામના રહેવાસી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, 23-4-2021થી અને પાકિસ્તાની જેલમાં હતા. આજે વતન જવાની ખુશી છે, પરંતુ અમારાથી પહેલાં પકડાયેલા માછીમારો હજુ પણ જેલમાં છે. પાકિસ્તાનની જેલમાં રહેવું મુશ્કેલ છે. અમારા અગાઉ પકડાયેલા માછીમારો મુક્ત થાય તેવી ખાશા રાખીએ છીએ.
ગોરખપુરના માછીમાર ઉમેશે જણાવ્યું હતું કે, અમે માછીમારી કરવા માટે ગયા હતા, ત્યારે અમોને પાકિસ્તાની સિક્યુરિટીએ પકડી લીધા હતા, અને બોટમાં છ લોકો હતા. આપણી બોર્ડરમાં માછીમારી કરતા હોઇએ છે, છતાં પાકિસ્તાની નેવીવાળા પકડીને લઇ જાય છે, અમને પકડે ત્યારે ત્રણ માસમાં છોડી દઇશું તેમ જણાવે છે, પરંતુ દોઢ-બે વર્ષ સુધી છોડતા નથી. બીજું કે, જે માછીમાર પાસે ઓળખકાર્ડ હોય તેઓને જ જેલમાંથી મુક્તિ મળે છે, જે માછીમાર પાસે ઓળખકાર્ડ હોતા નથી તેવા માછીમારો માટે છુટવું મુશ્કેલ છે. ઓળખકાર્ડ વગરના 80 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં છે. ભારત સરકાર તેઓને મુક્ત કરાવે તેવી અમારી લાગણી અને માંગણી છે.
મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવામાં આવે 200 માછીમારો તંદુરસ્ત સ્થિતિમાં છે, તથા ટ્રેન મારફત વડોદરા ખાતે પહોંચેલા 2000 માછીમારોને વડોદરા ખાતેથી ખાસ મારફતે તેમના વતન વેરાવળ સુધીમાં પહોંચાડી તેઓનાં પરિવારજનોને સુપરત કરવામાં આવશે. મુક્ત કરાયેલા 200 માછીમારો વતન પરત ફરનાર હોઇ, માછીમાર પરિવારજનોમાં તથા ગીર સોમનાથ, દૈવ-ભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને જૂનાગઢ જિલ્લાના માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.