- પોલીસે બિન્દુ વિશાલ નિનામા અને સુનીતા ઉર્ફે દુબળી મેડા (બંને રહે.દાહોદ)ની અટકાયત કરી સોનાનું મંગળસૂત્ર, પર્સ સહિત રોકડ કબજે કરી
વડોદરા રેલવે સ્ટેશન પર ગીર્દીનો લાભ ઉઠાવી ટ્રેનમાં ચડતી મહિલાઓના પર્સ તફડાવતી બે મહિલાને રેલવે પોલીસે ઝડપી પાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેર નજીક આવેલા રણોલી વિસ્તારમાં શ્રી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર બંસીલાલ સૈની તેમની પુત્રવધૂ નેહા તેમજ પૌત્રીને મધ્યપ્રદેશના મંદસોર જવાનું હોવાથી તેઓ બાન્દ્રા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનમાં છોડવા રેલવે સ્ટેશન પર આવ્યા હતાં. ટ્રેનના જનરલ કોચમાં નેહા તેમજ તેમની પુત્રી બંને ચડી ગયા બાદ ટ્રેન ઉપડી હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે, બેગમાં મૂકેલ નાનું પર્સ ગીર્દીમાં ચોરી થઇ ગયું છે. પર્સમાં સોનાનું મંગળસૂત્ર, રોકડ સહિત ૪૨ હજાર જેટલી મત્તા હતી. આ અંગે હેમંતકુમારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી.
આ દરમિયાન રેલવે એલસીબીના સ્ટાફને રેલવે સ્ટેશન પર બે મહિલાઓ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતી જણાતા પોલીસે બંને મહિલાઓ પાસેનો સામાન તપાસતા એક પર્સ મળ્યું હતું, જેમાં રોકડ અને સોનાનું મંગળસૂત્ર હતું. આ અંગે ઝડપાયેલી મહિલાઓની પૂછપરછ કરતાં બંનેએ પેસેન્જરોની ગીર્દીનો લાભ લઇ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલા થેલાની ચેન ખોલી પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બિન્દુ વિશાલ નિનામા અને સુનીતા ઉર્ફે દુબળી લાલાભાઇ મેડા (બંને રહે.દાહોદ)ની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, ટ્રેનમાં ચડતી મહિલાઓને બંને મહિલાઓ ટાર્ગેટ કરતી હતી. નાના બાળકને આગળ કરી એક મહિલા પેસેન્જરની આગળ ઊભી રહે જ્યારે બીજી મહિલા પેસેન્જરની પાછળ પોતાની ઓઢણી પર્સ પર આડી કરી અંદરથી કિંમતી સામાનની તફડંચી કરતી હતી. અગાઉ પણ આ બંને મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ચોરીનો સામાન નહીં મળતાં બંનેને છોડી દેવાઇ હતી.