ઉપરવાસમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાંથી નર્મદામાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

આજે સવારે સરદાર સરોવર ડેમના 15 દરવાજા 1.90 મીટર ખોલવામાં આવ્યા

MailVadodara.com - 2-45-lakh-cusecs-of-water-was-released-into-Narmada-from-Sardar-Sarovar-Dam-following-continuous-rains-in-the-upper-reaches

- નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના 25 ગામોને એલર્ટ કરાયાં, નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ

ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે સવારે સરદાર સરોવર ડેમના 15 દરવાજા 1.90 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં 2,00,000 ક્યુસેક પાણી વહેશે. નદી તળ વિદ્યુત મથક (RBPH)નાં 6 મશીનો અને સરદાર સરોવર ડેમના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,45,000 (45000+ 2,00,000) ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે, નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. વડોદરા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Share :

Leave a Comments