પાવીજેતપુર તાલુકામાં પક્ષીની ગણતરી થતા 37 પ્રજાતિના 1874 જેટલા પક્ષીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લો અને તેમાં પણ પાવીજેતપુર તાલુકો વન્યજીવો અને પક્ષીઓથી સમૃદ્ધ છે. અહીં વિવિધ જળ સ્ત્રાવ વિસ્તારો આવેલા છે. જેમાં સુખી ડેમ જળસ્ત્રાવ, ઓરસંગ, ભારજ અને સુખી નદી કાંઠે તથા ભાભર ડેમ વગેરે જેવા પાણી વહેતા વિસ્તારો આવેલા છે. આવા નૈસર્ગિક સંપત્તિથી ભરપુર સાનિધ્યને માણવા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં અહીં આવી પહોંચ્યા છે.
પાવીજેતપુરના આરએફઓ વનરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલતી રાજ્યવ્યાપી પક્ષી ગણતરીના બીજા તબક્કામાં પાવીજેતપુર તાલુકામાં 37 પ્રજાતિના કુલ 1874 જેટલા પક્ષીઓ યાયાવર નોંધાયા હોવાનું જાણવા મળેલ છે. જેમાં બ્રાહ્મી બતક, રાજહંસ, નકટો, ચમચો, નાની ડૂબકી, રાજીયો, સર્પગ્રીવ, નાનો બગલો, મોટો બગલો, ઢોર બગલો, કલકલિધો, ઢોંક, કાંકણસાર, ભગવી સુરખાબ, ટુતિયાલી બતક, ગજપાવ, ભવતડુ, જળમરઘી, ટિટોડી, પીળક, સમડી, રિવરટણ, ચાષ, દુધરાજ, હુદહુદ, બીટર અને વાયારટેલ વગેરે જેવા વિવિધ પક્ષીઓ ગણતરીમાં નોંધવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, હવે ડિસેમ્બર માસના અંતે પક્ષી ગણતરીનો અંતિમ ત્રીજો તબક્કો હાથ ધરવામાં આવનાર છે. હાલ તો વિદેશથી અહીં મહેમાનગતિ માણવા આવેલા વિવિધ પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.