- કરજણ પોલીસે ટેમ્પો ચાલક સુરેશ બિશ્નોઇની પૂછપરછ કરતા દારુનો જથ્થો ભેરેલો ટેમ્પો રાજસ્થાનના ભવંરલાલ બિશ્નોઇએ ભરાઇ આપ્યો હોવાનું જણાવ્યું હતું
વડોદરા નજીક કરજણ હાઇવે ઉપર ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી વડોદરા તરફ લઇ જવાતો રૂપિયા 11.44 લાખની કિંમતનો દારુ ઝડપી પાડયો છે. રાજસ્થાનથી લવાતો દારુનો જથ્થો ક્યાં પહોંચતો કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલને માહિતી મળી હતી કે, ભારતીય બનાવટનો દારુ ભરેલો એક ટેમ્પો સુરત, ભરૂચ થઇને વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ભરથાણા ટોલનાકા પાસે વોચમાં ગોઠવી દીધી હતી.
દરમિયાન ભરૂચ તરફથી માહિતીવાળો ટેમ્પો આવતા વોચમાં ગોઠવાયેલી પોલીસે રોક્યો હતો. પોલીસે ટેમ્પોમાં પ્રાથમિક તપાસ કરતા કંઇ મળી આવ્યું ન હતું. આથી પોલીસે ટેમ્પો ચાલકને ઉતારી પૂછપરછ કરી હતી. પરંતુ, ટેમ્પો ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે ટેમ્પો કબજે કરી કરજણ પોલીસ મથકમાં લઇ ગઇ હતી.
કરજણ પોલીસ મથકમાં જઇ ટેમ્પોમાં વધુ તપાસ કરતા ટેમ્પોના કેબિનના પાછળના ભાગમાંથી ચોરખાનું મળી આવ્યું હતું. પોલીસે ચોરખાનું ખોલી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો દારુ ભરેલી 262 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 11,44,800ની કિંમતનો દારુ કબજે કરી ટેમ્પો ચાલક સુરેશકુમાર તેજારામ બિશ્નોઇ (રહે. 82, ધનાણીયો કી ઢાણી, ગામ હાલીવાવ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે દારુનો જથ્થો, ટેમ્પો, મોબાઇલ ફોન સહિત કુલ્લે રૂપિયા 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ટેમ્પો ચાલક સુરેશકુમાર બિશ્નોઇની દારુ અંગે પૂછપરછ કરતા તેણે આ દારુનો જથ્થો ટેમ્પો ભવંરલાલ બિશ્નોઇ (રહે. રાજસ્થાન)એ ભરાઇ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ આ ટેમ્પોનો માલિક ટીકારામ જાટ (રહે. રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું. દારુ ક્યાં મોકલવાનો હતો તે અંગે તેણે જણાવ્યું કે, વડોદરા પહોંચ્યા બાદ ફોન કરવાનો હતો.
આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદકુમારે સુરેશકુમાર બિશ્નોઇ, ભવંરલાલ બિશ્નોઇ અને ટીકારામ જાટ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.