- સંબંધોનો ફેંસલો લાવવાનું કહી યુવતીને કારમાં બેસાડી મુક્કા માર્યા
- મૂળ દાહોદના વેલપુરા ગામનો જયેશ વસૈયાની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી
શહેરના સયાજીગંજ વિસ્તારમાં ખાનગી નોકરી કરતી યુવતીની છેડતી અને તેની સાથે મારામારી કરી જાનથી મારવાની ધમકી આપનાર યુવાનની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. સયાજીગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીએ જયેશ જેમાભાઈ વસૈયા (રે.અક્ષરયુગ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, ખટંબા વાઘોડિયા. મૂળ રે. વેલપુરા ગામ, તા.ઝાલોદ, જિ.દાહોદ) સામે ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ આરોપ મુકતાં જણાવ્યું છે કે, વર્ષ 2019માં સાથે કામ કરતાં ત્યારે જયેશ વસૈયાના સંપર્કમાં આવી હતી, મિત્રતા ગાઢ થતાં લગ્ન કરવાની વાતચીત થતાં યુવતીએ વિચારીને કહીશ તેમ કહ્યા બાદ લગ્નનો ઇન્કાર કરીને સંબંધો કાપી નાંખ્યા હતા. દરમિયાન ગત 28મી એપ્રિલે યુવતી કમાટીબાગ રોડ પર ચાલતી તેની ઓફીસે જતી હતી, તે વખતે જયેશ કાર લઇને આવી ફેંસલો લાવી દેવાનું કહેતા યુવતી તેનાથી છુટકારો મેળવવા તેની સાથે તેની કારમાં બેઠી હતી. કારમાં યુવતીએ સાથે સબંધો રાખવાની ચોખ્ખી ના પાડતાં તેને નાકના ભાગે મુક્કો માર્યો હતો.
ત્યાર બાદ કારમાં તે ઝાલોદ પાસે આવેલા વેલપુરા ગામ ખાતે તેના ઘરે લઈ ગયો હતો. બીજા દિવસે જયેશ વસૈયા બુલેટ પર યુવતીને દાહોદથી વડોદરા મુકવા માટે નીકળ્યો હતો. તે દરમ્યાન રોડ પર ઉભી રાખી તેની છેડતી કરી મારઝુડ કરી કહ્યું હતું કે, તું મારી ના થાય તો હું તને કાતો તારા ભાઈને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી જતો રહ્યો હતો. ત્યાર બાદ રવિવારે સવારના યુવતીના ઘરે જઇ હું તમને બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે જયેશ સોમાભાઇ વસૈયા (રે.અક્ષરયુગ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, ખટંબા વાઘોડિયા. મૂળ રે. વેલપુરા ગામ, તા.ઝાલોદ, જિ.દાહોદ)ની ધરપકડ કરી હતી.