- લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલા આરોપીને એસીબીની ટીમ સર્કિટ હાઉસ લઇ ગઇ હતી
નસવાડી પંથકમાં 1.20 કરોડના નાના પુલના બાંધકામમાં 10 લાખની લાંચ માગ્યા બાદ રૂા. બે લાખની લાંચ લેતાં આર એન્ડબીનો અધિક મદદનીશ ઇજનેર હરીશ સરદારભાઈ ચૌધરી (અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-3, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, નસવાડી. જી. છોટાઉદેપુર)ને એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જેના પગલે લાંચીયા અધિકારીઓમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે. જાેકે આ દરમિયાનમાં ડેપ્યુટી ઇજનેરને નસવાડી સર્કિટ હાઇસમાં લઇ જવાતા ત્યાંથી તે દવા પીવાના બહાને ફરાર થઇ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન(નાના પુલ)નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પુલના કામ માટે રૂા.૧.૨૦ કરોડ મંજૂર થયા હતાં. આ બિલની રકમ સામે નસવાડી પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર હરિશ સરદારભાઇ ચૌધરી (રહે.વેદાન્ત રેસિડેન્સી, સોમાતળાવ, ડભોઇ રોડ, વડોદરા, રહે મૂળ સરદારપુર, ચીકણા તા.સતલાસણા, જિલ્લો મહેસાણા)એ રૂા. 10 લાખની લાંચ માંગી હતી. પરંતુ કોન્ટ્રાકટર આપવા માગતાં ન હોઇ તેણે એસીબી નર્મદાનો સંપર્ક કરતાં વડોદરા એકમના સુપર વિઝન અધિકારી પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ ડી.ડી.વસાવા (પોઈ, એસીબી, રાજપીપલા)એ છટકું ગોઠવ્યું હતું. જેમાં કોન્ટ્રાકટરે બે લાખની પાઉડરવાળી નોટો ડેપ્યુટી ઇજનેરને આપતાં એસીબીએ રંગે હાથ ઝડપી પાડી નસવાડી સર્કિટ હાઉસમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે કે આ દરમિયાન ડેપ્યુટી ઇજનેર દવા પીવાના બહાને સક્રિટ હાઉસમાંથી ઉઘાડા પગે ફરાર થઇ જતાં તેને ઝડપી પાડવા માટે એસીબીના અધિકારીઓ પણ ઉઘાડા પગે દોડ્યા હતા અને કારમાં પણ પીછો કર્યો હતો. જો કે, ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંચાયત આર એન્ડ બી કચેરીમાં છેલ્લા નવ માસથી ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હરીશ ચૌધરી અને પાંચ વર્ષથી ફરજ બજાવતાં મદદનીશ ઈજનેર ફતુરામ પ્રજાપતિ એક હથ્થુ શાસન ચલાવતા હતા. આ ઉપરાંત દરેક સરકારી કામમાં ટકાવારી તેમજ કરોડોના ચાલતા વિકાસના કામોમાં એડજસ્ટમેન્ટની રકમ ઇજનેર લેતા હોવાનું છેલ્લા કેટલાય મહિનાથી ચાલતું હતું. અધિક મદદનીશ ઇજનેર હાજર થયા ત્યારે પણ હું કોઈથી ગભરાતો નથી. ગાંધીનગર ઉચ્ચ આર એન્ડ બીના અધિકારીથી લઈ રાજકીય મંત્રી સુધી પહોંચ ધરાવું છું તેમ જણાવતા હતા.
નર્મદાના એસીબી અધિકારી ડી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, મેડિકલ દવા પીવા બાજુ પર ગયા અને ફરાર થઈ ગયા. આજુબાજુ તપાસ કરી છે. બીજો ગુનો દાખલ કરીશું. એસીબી કાર્યવાહી કરી રહી છે. નસવાડી પોલીસને જાણ કરી છે. હવે આગળની તપાસ ચાલુ છે.