વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં કોર્પોરેશન 23 કરોડના ખર્ચે પાણીનું નવું નેટવર્ક ઊભું કરશે!!

વાસણા, બિલ, સેવાસી, ભાયલી, સમા, છાણી વિસ્તારના લોકોને પાણીની વધુ સુવિધા મળશે

MailVadodara.com - vadodara-corporation-will-build-new-water-network-in-out-growth-area-of-vadodara-at-cost-of-23-crores

- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કોર્પોરેશનને વર્ષ 2023-24ની આઉટ ગ્રોથ વિસ્તારની 56.70 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરની હદમાં અગાઉ વધારો થતા આઉટ ગ્રોથ વિસ્તારમાં મૂળભૂત સુવિધા વધારવાના કામો કરવામાં આવનાર છે. જે માટે આશરે 23 કરોડના કામો પાણી પુરવઠાને લગતા છે. જેમાં વાસણા ટાંકીના કમાંડ વિસ્તારમાં પાણીનું નવું નેટવર્ક ફેસ-3 માં ઊભું કરવામાં આવનાર છે, અને આ માટે 3 કરોડનો ખર્ચ થનાર છે. બિલ ટીપી-1માં 5 કરોડના ખર્ચે પાણીનું નેટવર્ક ઊભું કરાશે. સેવાસી ટીપી-2 અને ભાયલી ટીપી-2માં 4.50 કરોડના ખર્ચે પાણીના નેટવર્કનું આયોજન કરાયું છે. ભાયલી ટીપી-3 માં અને ટીપી-4માં 3.50 કરોડનું નેટવર્ક કરવામાં આવશે. સમા આઉટ ગ્રોથ વિસ્તારમાં 2 કરોડના ખર્ચે પાણીનું નવું નેટવર્ક નાખવામાં આવશે. જ્યારે 1 કરોડના ખર્ચે છાણી 24 કલાક પાણીની યોજનાના નેટવર્કમાં સુધારો કરવામાં આવશે. 

ગોત્રી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝથી કેનાલ સુધી 1.50 કરોડના ખર્ચે પાણીનું નેટવર્ક નાંખવામાં આવશે. નોર્થ હરણી 24 કલાક પાણીની યોજનાના નેટવર્કમાં 1 કરોડના ખર્ચે સુધારો કરવામાં આવશે. ગોરવા ટાંકીથી જનકપુરી-અયોધ્યાપુરી સુધી પાણીનું નેટવર્કનું મજબૂતીકરણનું કામ 1.50 કરોડના ખર્ચે થશે. રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2023-24ની આઉટ ગ્રોથ વિસ્તારની 56.70 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 

આ ગ્રાન્ટના ઉપયોગ માટે કામોની અગ્રતાને ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગ સમિતિની મંજૂરી મેળવીને મંજૂર થયેલા કામો દરખાસ્ત સ્વરૂપે રાજ્ય સરકારની મંજૂરી માટે રજૂ કરાશે. ગ્રાન્ટ કરતા વધારાનો ખર્ચ થાય તો તે કોર્પોરેશનના સ્વભંડોળમાંથી કરવા અંગેનું પ્રમાણપત્ર સરકારમાં રજૂ કરવાનું રહેશે. સ્ટેન્ડિંગ સમિતિએ તાજેતરમાં આ માટેની એક દરખાસ્ત પણ મંજૂર કરી છે. જે અંતિમ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ કરવામાં આવશે. સમગ્ર સભાની મંજૂરી બાદ રાજ્ય સરકારમાં દરખાસ્ત રજૂ કરાશે.

Share :

Leave a Comments