- મોબાઇલ ફોન પર રૂપિયા કપાયાનો મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયાની જાણ થઇ, અજાણ્યા શખ્સ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વડોદરાના આજવા રોડ પર દુધેશ્વર બસ સ્ટેન્ડ પાસેની એટીએમમાં માટે ગયેલા આધેડની નાણાં ઉપાડવા મદદ કરવાના બહાને એક શખસે એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ તેમના એટીએમ કાર્ડથી અલગ-અલગ એટીએમમાંથી 20 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. તેમના મોબાઇલ પર રૂપિયા કપાયાનો મેસેજ આવતા પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા હોવાની જાણ થઇ હતી. જેથી આધેડે રૂપિયા ઉપાડી લેનાર શખસ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પાણીગેટ બાવચાવાડ સ્લમ ક્વાટરમાં રહેતા ગીરધારી ફકીરાભાઈ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત 24 નવેમ્બરના રોજ સવારે હું આજવા રોડ પર આવેલા દુધેશ્વર બસ સ્ટેન્ડની પાછળ બેંક ઓફ બરોડાના એટીએમ ખાતે એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે ગયો હતો. પરંતુ, મને એટીએમ કાર્ડ વાપરતા આવડતું ન હોવાથી મારી પાછળ ઉભેલા બે અજાણ્યા શખસો પૈકી એક શખસને મેં જણાવ્યું કે, મને એટીએમ કાર્ડ ઉપયોગ કરતા ફાવતું નથી. એટીએમ કાર્ડ વડે મને 10 હજાર ઉપાડવા છે, મને મદદ કરો તેમ જણાવી મેં મારૂ એટીએમ કાર્ડ તેને આપ્યું હતુ.
ત્યારબાદ તે વ્યક્તિએ મારું કાર્ડ મશીનમાં નાખતા મેં મારો પીન નંબર તે વ્યકિતના જોતા દબાવ્યો હતો. ત્યારબાદ તે વ્યકિતએ મને એટીએમ મશીનમાંથી સ્લીપ કાઢીને મને જણાવ્યુ હતું કે, તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા નથી. જેથી મને એટીએમ કાર્ડ પરત આપી દીધુ હતું જે લઈ મારા ઘરે પરત જતો રહ્યો હતો. ત્યારે મારા મોબાઇલમાં આવેલો મેસેજ જોતા મને જાણવા મળ્યું હતું કે, ગત 24 નવેમ્બર અને 26 નવેમ્બરના રાત્રીના બારેક વાગ્યાના સુમારે 10-10 હજાર કરીને બે વખત મારા એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડવામાં આવ્યા છે.
હું બેંકમાં જતા મને જાણવા મળ્યું હતું કે, મારા બેંક એકાઉન્ટમાંથી મારા એટીએમ કાર્ડ વડે કોઈ અજાણ્યા વ્યકિતએ બેવાર 10-10 હજાર મળી 20 હજાર અલગ અલગ એટીએમમાંથી ઉપાડી લીધા હતા. જેથી મેં મારૂ એટીએમ કાર્ડ ચેક કરતા કોઈ જીગ્નેશકુમાર લીંબાચીયાનું મારા એટીએમ કાર્ડ જેવુ જ SBI બેંકનું એટીએમ કાર્ડ આપી દીધુ હતું. જેથી મને માલુમ પડ્યું હતું કે, આજવા રોડ દુધેશ્વર બસ સ્ટેન્ડની પાછળ બેંક ઓફ બરોડાના એટીએમ મશીન ખાતે પૈસા ઉપાડવા માટે મદદ કરનાર વ્યક્તિએ જ એટીએમ કાર્ડ બદલાવી મારી સાથે છેતરપિંડી કરી છે. જેથી મેં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.