- દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા શાળા, કવિ કાલીદાસ સ્કૂલ અને એકતાનગર વિસ્તારની દયાનંદ સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીમાં પ્રશ્નપત્ર ઓછા મળ્યા હતા
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 સ્કૂલોમાં ધો. 3થી 5ના પ્રશ્નપત્ર ખૂટતા દોડધામ મચી ગઈ હતી. સમિતિની બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. છેવટે આસપાસની સ્કૂલો અને કંટ્રોલરૂમમાંથી પ્રશ્નપત્રો પહોંચાડવામાં આવ્યા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળામાં ધોરણ-3થી 5ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે આજે પ્રશ્નપત્ર ઓછા મળતા ત્રણ સ્કુલમાં શિક્ષણ સમિતિના વહીવટનો છબરડો જોવા મળ્યો હતો. આજે સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં સ્કૂલોમાં પહોંચી ગયા હતા, પરંતુ પ્રશ્નપત્રો સ્કૂલોમાં પુરતા પ્રમાણમાં પહોંચ્યા નહોતા. સ્કૂલોમાં જ્યારે પ્રશ્નપત્રોનું બંડલ ખોલવામાં આવ્યું, ત્યારે એમાં પેપરો ઓછા હતા. જેથી સ્કૂલના પ્રિન્સિપાલ ટેન્શનમાં આવી ગયા હતા અને તુરંત જ સમિતિને જાણ કરી હતી. જેથી છેલ્લી ઘડીએ પ્રશ્નપત્રોની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો હતો. આ બનાવ સંદર્ભે શિક્ષણ સમિતિના અધ્યક્ષએ પેપર કયા કારણસર અને કેટલી શાળામાં ઓછા મળ્યા તે અંગે તપાસનો આદેશ આપી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે પરીક્ષા શરૂ થાય તેના અડધા કલાક પૂર્વે પ્રશ્ન પત્રની ગણતરી કરી લેવામાં આવે છે અને જો ઓછા હોય તો તરત જ કોઓર્ડીનેટર અને નિરીક્ષકને જાણ કરીને તાત્કાલિક મંગાવી લેવામાં આવે છે. દંતેશ્વર વિસ્તાર આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા શાળામાં આજે સવારે 7.30 વાગ્યે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રનો બંચ ખોલીને ગણતરી કરતા 10 ઓછા મળ્યા હતા. જોકે પરીક્ષા શરૂ થાય તે પૂર્વે તાત્કાલિક બાજુની શાળામાંથી મંગાવી લેવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય સવારે 8 થી 10નો હતો. આવું કવિ કાલીદાસ સ્કૂલ અને એકતાનગર વિસ્તારની દયાનંદ સરસ્વતી સ્કૂલોમાં પ્રશ્નપત્રો ખુટ્યા હતા. જો કે, છેવટે આસપાસની સ્કૂલો અને કંટ્રોલ રૂમમાંથી પ્રશ્નપત્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે પ્રશ્નપત્ર કેમ ઓછા અપાયા અને ગણતરીમાં ભૂલ હતી કે શું બાળકોની સંખ્યા બરાબર ગણી ન હતી કે કેમ વગેરે બાબતોને આવરી લઈ તપાસ કરી તેનો રિપોર્ટ આપવા શિક્ષણ સમિતિના અધ્યક્ષએ શાસનાધિકારીને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જિગ્નેશ ખત્રીએ જણાવ્યું હતું કે, ધો.3ના ગુજરાતીના થોડા પેપર ઓછા આવ્યા હતા, પરંતુ અમે બાજુની સ્કૂલોમાંથી પેપર મંગાવી લીધા હતા, જેથી સમયસર પરીક્ષા શરૂ થઈ ગઇ હતી.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે, 3 સ્કૂલોમાં પેપર ઓછા પહોંચ્યા, જો કે માહિતી મળતા જ સમયસર પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી છે.