- મહિલા મોબાઈલ તેમજ રોક્ડ અને દાગીના ભરેલું પર્સ રિક્ષામાં ભૂલી ગઇ હતી
- મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાત ચલાવતા મુસ્તુફા હુસેનમિયાં મલેકની ઇમાનદારીને અન્ય રીક્ષાચાલકોએ બિરદાવી
વડોદરાના રિક્ષાચાલકે પોતાની રિક્ષામાં 1 લાખ રોકડ, તેમજ સોનાના દાગીના મુકેલ પર્સ ભૂલી ગયેલી મહિલા મુસાફરને પરત કર્યું હતું. આ ઘટના બાદ રિક્ષા ચાલકની ઈમાનદાર ચર્ચાનો વિષય બની છે અને તેની ઇમાનદારીને અન્ય રિક્ષાચાલકો બિરદાવી રહ્યા છે.
મળેલી માહિતી મુજબ શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલ કાગડીવાડ ખાતે રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્તુફા હુસેનમિયાં મલેક દરરોજની જેમ નાગરવાડા વિસ્તારમાં પોતાની રિક્ષા લઈને ઊભા હતા. આ દરમિયાન ત્રણ મહિલાઓ તેમની પાસે આવી અને તેઓએ જેતલપુર ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલ જવા માટે મુસ્તુફાભાઈની રિક્ષામાં બેઠા હતા. જેતલપુર ખાતે ત્રણેય મહિલાઓ ઉતરી ગઈ હતી અને મુસ્તુફાભાઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન મહિલા પોતાનો મોબાઈલ તેમજ રૂપિયા 1 લાખ જેટલી રોક્ડ એને દાગીના મૂકેલ પર્સ રિક્ષામાં જ ભૂલી ગયા હતા.
રિક્ષાચાલક મુસ્તુફાભાઈ ત્યાંથી પોતાની દીકરીને લેવા ગયા હતા. દીકરીને રીક્ષામાં બેસાડી તેઓ નીકળ્યા ત્યારે રિક્ષામાંથી મોબાઈલની રીંગટોન વાગવાનો અવાજ આવતા તેઓને જાણ થઈ હતી કે, ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા પોતાનું પર્સ રિક્ષામાં ભૂલી ગઈ છે. મુસ્તુફાભાઈએ તુરંત જ પર્સમાંથી મોબાઈલ કાઢી વાત કરતા ગભરાયેલ અવાજે મહિલાએ પોતાના માલ-સામાન વિશે પૂછ્યું ત્યાકે મુસ્તુફાભાઈએ તેમને સાંત્વના આપી જણાવ્યું કે, તમે ચિંતા ન કરશો, તમારો સામાન મારી પાસે છે. હું તમને આપી જાઉ.
થોડીવારમાં મુસ્તુફાભાઈ મહિલા પાસે પહોંચી તેમનું પર્સ પરત કરતા મહિલાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાનું પર્સ પૂરી અમાનત સાથે પરત મળતા મહિલા મુસાફરની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. મહિલા મુસાફરને ખૂશ જોતા મુસ્તુફાભાઈએ મહિલા મુસાફરને જણાવ્યું કે, કોઈની અમાનતમાં ખયાનત કરવી એ ઈસ્લામ શીખવાડતનું નથી. મુસ્તુફાભાઈની ઈમાનદારીની વાત રિક્ષાચાલકોમાં પ્રસરી જતાં સૌ કોઇ રિક્ષાચાલકોએ તેમની ઇમાનદારીને બિરદાવી હતી.