- આરોપીનાં બેંક ખાતામાં દોઢ કરોડથી વધુની લેવડ-દેવડ થઈ
સોશિયલ મીડિયા પર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઉંચો નફો મળવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના એક સાગરીતને વડોદરા શહેર સાયબર સેલની ટીમે અમદાવાદથી ઝડપી પાડયો છે. આરોપીએ પોતાના ૧૩ તથા અન્યના મળી કુલ ૪૦ બેંક એકાઉન્ટ ખોલાવી તે ઓપરેટર કરવા માટે ઠગ ટોળકીને ૨૦ હજાર કમિશન લઇને આપી દીધા હતા. પોલીસે તેના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા રાજીવભાઈએ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત ૧૭મી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વ્હોટસએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી, ત્યારબાદ તેઓને https://www.idngng.com એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવડાવ્યુ હતું. જેમાં તેઓએ KYC કરાવ્યા બાદ તેઓને IPO લેવા માટે વ્હોટ્સએપમાં મેસેજ આવ્યા હતા. તેથી, IPO ખરીદવા તેમજ શેરમાં ઇન્વેસ્ટ કરવા તેઓએ આ એપ્લિકેશનમાં પૈસા જમા કરાવ્યા હતા અને એપ્લિકેશનમાં એલોટમેન્ટ લાગી ગયુ હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું. તેઓને અલગ-અલગ એપ્લિકેશનોની લિંક મોકલવામાં આવતી તેમજ અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.
આમ, અલગ-અલગ કંપનીના શેર ખરીદવા તેમજ IPO ખરીદવાના બહાને કુલ રૂ. 8,14,875 પ્રોફિટ રૂપે ફરિયાદીના બેન્ક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઇ તેઓ પાસેથી કુલ રકમ રૂ. 46,00,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. તેઓએ સામેવાળાને રૂપિયા વીડ્રો કરીને ફરિયાદીને પરત કરવા જણાવ્યું હતું. પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કર્યા નહિ અને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દેતાં ફરિયાદીને પોતાની સાથે રૂપિયા 37,85,125ની નાણાકીય છેતરપિંડી થઈ હતી. જેથી આ મામલે મે વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત અમદાવાદ ખાતેની આવતી હતી, જેથી અમદાવાદમાં જઈને આરોપી અમિત જયંતીલાલ પિઠડીયા (ઉ.36), (રહે. ચાંદખેડા, અમદાવાદ)ની ધડપકડ કરી હતી. આરોપી અમિત જયંતીલાલ પિઠડીયા એકાઉન્ટ હોલ્ડર છે જેમાં ફરિયાદીનાં નાણા ટ્રાંસફર થયેલ છે. આ બેંક એકાઉંટને પોતાના સહ આરોપીને વેચી દીધુ છે. આરોપી સહ આરોપીઓને અન્ય બેંક ખાતાઓ વેચતો હતો, જેના માટે તે કમિશન લેતો હતો. આરોપીનાં બેંક ખાતામાં રૂપિયા દોઢ કરોડથી વધુની લેવડ-દેવડ થયેલ છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી પાસેથી 30થી વધુ ચેક બુક, 40થી વધુ સીમકાર્ડ્સ તેમજ ડેબિડ કાર્ડસ, બેંક પાસબુકો, હિસાબો લખેલ ડાયરીઓ, મોબાઇલ અને સ્ટેમ્પ મળી આવેલ છે. આરોપીના બેંક એકાઉંટ પર નેશનલ પોર્ટલ પરથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ 27 કમપ્લેન થયેલી છે.