દારૂની મહેફિલ બાદ આચાર્ય મહેન્દ્ર જાદવે ત્રણ વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ જઇ અશ્લિલ ફોટા અને વીડિયો બતાવ્યા હતા
વડોદરાના પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી બાદ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી. મહેફિલ માણ્યા બાદ આચાર્યએ સ્કૂલની ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઈ જઈ મોબાઈલ પર અશ્લિલ ફોટો-વીડિયો બતાવતા હોબાળો મચ્યો હતો. ગામ લોકોનું ટોળું સ્કૂલ ઉપર ધસી જઈ લપંટ આચાર્યને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં આચાર્ય અને શિક્ષકને પોલીસ હવાલે કરી દીધા હતા. ગામલોકોની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પાદરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં આજે 77માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહ્યો હતો. સાથે ગામના અગ્રણીઓ પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા બાદ મોટાભાગના લોકો રવાના થઈ ગયા હતા. સ્કૂલમાં કેટલાંક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હાજર હતા. મોટાભાગના લોકો રવાના થઈ ગયા બાદ સ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઇ ચંદુભાઇ જાદવ (હાલ રહે. પાદરા) અને શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલે દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલ દરમિયાન આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ સ્કૂલમાં ફરી રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને લઈ સ્કૂલના શૌચાલયમાં લઈ ગયો હતો. તેઓને પોતાના મોબાઈલ ફોન ઉપર અશ્લિલ ફોટા અને વીડિયો બતાવતા વિદ્યાર્થિનીઓ ચોંકી ઉઠી હતી.
રોષે ભરાયેલા વાલીઓએ આચાર્યને સ્કૂલમાંથી બહાર કાઢી લાવી માર માર્યો હતો
આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ દ્વારા બતાવવામાં આવેલા અશ્લિલ ફોટો-વીડિયો જોઈ ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ ઘરે જઈ પોતાના વાલીઓને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ વાલીઓ સ્કૂલ ઉપર આવવા નીકળ્યા હતા. વિદ્યાર્થિનીઓના વાલીઓને હાંફળા-ફાંફળા સ્કૂલમાં જતા જોઈ ફળિયાના લોકો તેમજ ગામના લોકો પણ સ્કૂલ ઉપર દોડી ગયા હતા. જોતજોતામાં સ્કૂલ ખાતે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાને હકિકત મળતા રોષે ભરાયું હતું અને આચાર્ય મહેન્દ્રભાઈ જાદવને સ્કૂલમાંથી બહાર કાઢી લાવી માર માર્યો હતો.
બીજીબાજુ આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ગણતરીની મિનિટોમાં અભોર ગામમાં દોડી આવ્યો હતો. ટોળામાં ઘેરાયેલા આચાર્ય મહેન્દ્રભાઈ જાદવને બચાવી પોલીસ મથકમાં લઈ ગયા હતા. સાથે શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલ (રહે. પાદરા)ને પણ પોલીસ સ્કૂલમાં દારૂની મહેફિલ માણવાના કેસમાં પોલીસ મથકમાં લઈ ગઈ હતી અને ગામ લોકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના સ્થળે દોડી આવેલી વડુ પોલીસે આચાર્યને ટોળાંમાંથી બચાવી લીધો
વિદ્યાર્થિનીઓ અને ગામ લોકોએ આક્ષેપ મૂક્યો હતો કે, શાળાના આચાર્ય મહેન્દ્રભાઇ જાદવ વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ ગયા હતા અને મોબાઈલ ફોન ઉપર અશ્લિલ ફોટા અને વીડિયો બતાવ્યા હતા. આ બનાવની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જતા મહિલાઓ અને પુરૂષોના ટોળા એકઠા થઇ ગયા હતા. જો આ આચાર્ય અને શિક્ષકને કેટલાંક ગામ લોકોએ અને દોડી આવેલી પોલીસે બચાવ્યા ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. આ બનાવે ગામમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.
સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકીઓને પૂછતાં તેઓએ આખી ઘટના વર્ણવી હતી. જયારે વિફરેલા ગ્રામજનોએ શાળાના અન્ય સ્ટાફનો ઘેરાવો કરીને આચાર્યના આવા વર્તન માટે જવાબો માંગ્યા હતા. કેટલાક સ્ટાફે લંપટ આચાર્ય મહેન્દ્રભાઈના આવા વર્તનની સાક્ષી પુરી હતી મહિલા શિક્ષકો સાથે પણ ગેરવર્તન થતું હોવાની વાતને સહમતી આપી હતી.
પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ વિકૃત માનસિક્ત ધરાવતા શિક્ષકે શરમ જનક કૃત્યુ કર્યું છે, આ વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તે બાબતે પીએસઆઈને પણ રજૂઆત કરવામાં આવેલી છે.
બંને સામે ફરિયાદ દાખલ થયા બાદ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે : જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતીના પ્રમુખ
સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતીના પ્રમુખ અશ્વિન પટેલે (વકીલે) જણાવ્યું હતું કે, આ ઘટના શિક્ષણ જગત માટે શરમજનક છે. આચાર્ય મહેન્દ્રભાઇ જાદવ સામે જે કઈ આક્ષેપ થયા છે તે ચલાવી લેવાય તેમ નથી. તેઓની સાથે અન્ય એક શિક્ષક રમેશભાઈ પંચાલ પણ દારૂના નશામાં ઝડપાયા છે. આ બંને સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી રહી છે. હાલ બંનેની અટકાયત પણ કરી લેવામાં આવી છે. બંને સામે ફરિયાદ દાખલ થયા બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.