વડોદરામાં વિધર્મી યુવકે લગ્નની લાલચે કોલેજિયન યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું, ફેક્ટરી ખોલવાના નામે લાખો રૂપિયા પડાવતા ફરિયાદ

મકરપુરામાં રહેતી અને MSUમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી

MailVadodara.com - a-religious-youth-repeatedly-raped-a-college-girl-with-the-lure-of-marriage-extorting-lakhs-of-rupees-in-the-name-of-opening-a-factory

- યુવતીની માતા ટ્યૂશન ક્લાસમાં જાય ત્યારે વિધર્મી યુવક માહિર અજમેરી યુવતીના ઘરે જઇ યુવતી સાથે વારંવાર બળજબરીથી શરીરસંબંધ બાંધતો તેમજ કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વારંવાર દુષ્કર્મ આચરી લાખો રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે.

એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મૂળ ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાની રહેવાસી છે અને માતા-પિતા વડોદરામાં નોકરી કરતાં હોવાથી વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલાં છે. પિતાએ BSNLમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા પણ એક સ્કૂલમાં પ્રિન્સિપાલ રહ્યાં બાદ એમાંથી રાજીનામું આપી ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવે છે.

વર્ષ 2017-18માં વિદ્યાર્થિની જ્યારે ધોરણ 10મા અભ્યાસ કરતી હતી ત્યારે તેના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર માહિર નામના શખસે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જેને વિદ્યાર્થિનીએ એક્સેપ્ટ કરી હતી. ત્યાર બાદ બંને વચ્ચે ઓનલાઇન ચેટિંગ થતું અને એક દિવસ માહિર હબીબભાઇ અજમેરી (રહે. ડભોઇ)એ વિદ્યાર્થિનીને માંજલપુર ઇવામોલ ખાતે મળવા બોલાવી હતી અને બંનેએ થિયેટરમાં ફિલ્મ જોઇ હતી. ત્યાર બાદ બંને વારંવાર એકબીજાને મળતાં હતાં અને ફોન પર ઓનલાઇન વાતો કરતાં હતાં.

આ દરમિયાન વિદ્યાર્થિની ઉંમર અંદાજે સાડા અઢાર વર્ષની હતી ત્યારે માહિર અજમેરી યુવતીના ઘરે આવ્યો હતો અને તેની માતા ઉપરના માળે વિદ્યાર્થીઓને ટ્યૂશન ક્લાસમાં ભણાવતી હતી. એનો ફાયદો ઉઠાવી માહિરે વિદ્યાર્થિનીને તારી સાથે જ લગ્ન કરીશ એવી વાતોમાં ભોળવી મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યા હતા, તેમજ આ અંગે જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ દરમિયાન વિદ્યાર્થિનીની માતા ઉપરના માળેથી નીચે આવતાં માહિર પણ ત્યાં બેઠો હોવાથી તેના અંગે પૂછપરછ કરી હતી અને તેને ઘરે નહીં આવવા સમજાવ્યો હતો. જોકે ત્યાર બાદ પણ યુવતીની માતા ટ્યૂશન ક્લાસમાં જાય ત્યારે માહિર ઘરે આવતો અને યુવતી સાથે વારંવાર બળજબરીથી શરીરસંબંધ બાંધતો હતો.

વિદ્યાર્થિની સોમા તળાવ પાસે જિમમાં જતી હતી તો માહિરે ત્યાં જીમ જોઇન કર્યું હતું અને આ દરમિયાન જિમમાં તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો, પરંતુ બંને વચ્ચે સમાધાન થતાં ફરી એકબીજા સાથે મિત્રતા થઇ હતી અને બંને ફોન પર વાતચીત કરતાં તેમજ મળતાં હતાં. જાન્યુઆરી 2023માં યુવતીએ જેતલપુર રોડ પર આવેલા ખાનગી ક્લાસીસમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્લાસ જોઇન કર્યા તો માહિરે પણ ત્યાં કોચિંગ શરૂ કર્યું હતું. યુવતીની માતા ક્લાસીસમાં ભણાવવા માટે જાય ત્યારે માહિર તેના ઘરે પહોંચી જતો અને તેને જેતલપુર રોડ પર આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસમાં સાથે લઇને જતો. આ દરમિયાન પણ એકાંતનો લાભ લઇ માહિર યુવતી સાથે બે-ત્રણ દિવસે બળજબરીથી શરીરસંબંધ બાંધતો હતો. આ સિલસિલો ફેબ્રુઆરી 2023 સુધી ચાલ્યો હતો.

ઓગસ્ટ-2021માં માહિર અજમેરીએ યુવતીને કહ્યું હતું કે, મારે પૈસાની જરૂર છે અને એક કંપની ચાલુ કરવી છે, જેથી યુવતીએ ગૂગલ એપથી 1 લાખ 77 હજાર 810 રૂપિયા તેને આપ્યા હતા. બાદમાં યુવતીની માતા પાસેથી પણ માહિરે ફેક્ટરી માટે રૂપિયાની જરૂર છે એમ કહી 1 લાખ 20 હજાર રૂપિયા ચેક દ્વારા લીધા હતા. આમ, માતા-પુત્રી પાસેથી માહિર અજમેરીએ કુલ 2 લાખ 97 હજાર 810 રૂપિયા પડાવી લીધા હતા અને રૂપિયા પરત કર્યા ન હતા, જેથી યુવતીએ માહિર વિરુદ્ધ દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ મામલે હાલ પોલીસે માહિરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રહી છે.

Share :

Leave a Comments