- પોસ્ટમોર્ટમ બાદ યુવકના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા બિહારમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ, 36 કલાક બાદ અંતિમ સંસ્કાર કરાશે
વડોદરા શહેરમાં દિવાળી પર્વ બાદ છઠ્ઠપૂજાના દિવસે સાંજે બિહારી યુવકનું મૃત્યુ થતા ગમગીની છવાઈ ગઈ છે. યુવક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પરથી કામ કરતા કરતા અચાનક નીચે પટકાયો હતો. તેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈ તાત્કાલિક યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે હરણી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા બિહારમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ છે.
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલી અર્થ યુફોરિયા નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા કામદારનું સાતમા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું છે. આ બનાવમાં મૂળ બિહારના રંગરૈયા લાલટોલી અમૌર થાનના અને વડોદરા કન્સ્ટ્રક્શન સાઇટ પર છેલ્લા કેટલાય સમયથી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ યુવકની પત્ની બિહારમાં રહે છે. યુવકને પાંચ મહિનાનો દીકરો પણ છે.
શહેરના વુડા સર્કલ પાસે ચાલી રહેલા અર્થ યુફોરિયા નામની સાઇટ પરથી પટકાયેલા મૂળ બિહારના 33 વર્ષીય મોહમ્મદ અફઝલ મોહમ્મદ મજાહિર શેખ હોવાનું સામે આવ્યું છે. યુવક ગત રોજ આ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા અચાનક તે સાતમા માળેથી નીચે પટકાતા ઘટના સ્થળે જ માથામાં ગંભીર ઇજાઓને પગલે મોત નિપજ્યું હતું.
આ બનાવને લઇ હરણી પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં યુવકને પ્રથમ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં હજાર તબીબે મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવાયો હતો. બાદમાં પોલીસે પોસ્ટમોર્ટમ કાર્યવાહી બાદ યુવકના મૃતદેહને માદરે વતન બિહાર ખાતે એમ્બ્યુલન્સ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. આ એમ્બ્યુલન્સ 36 કલાક બાદ બિહાર પહોંચશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરાશે.