- યુવકના મૃતદેહનો પોલીસે કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, બનાવને લઇ પરિવારમાં શોકનો માહોલ
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં ગત મોડી રાત્રે યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને મળી હતી. માહિતી મળતા જ વડોદરા ફાયર વિભાગની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકની લાશને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
તાજેતરમાં જ ગૌરીવ્રતને લઇ ઠેર ઠેરથી જવારા પધરાવવા માટે લોકો નદી કે તળાવ પાસે જતા હોય છે. ત્યારે જવારા પધરાવવાની લાયમાં ક્યાંક ને ક્યાંક પોતાના જીવને પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ કે જ્યાં હાલમાં હનુમાન દાદાની વિશાળ મૂર્તિ આવેલી છે. તેની પાસે એક યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર વિભાગને રાત્રે 11.43 વાગે કોલ મળ્યો હતો.
કૉલ મળતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે બે ટીમ જેમાં ગાજરાવાડી અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમો પહોંચીને કામગીરી શરૂ કરી હતી. તળાવની અંદર બોટ ઉતારી ફાયરના સાધનો વડે યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહને શોધી કાઢ્યો હતો. તપાસ કરતાં ડૂબી ગયેલા યુવકનું નામ પ્રકાશ રતિલાલ ચુનાર (ઉ.વ.35) હોવાનું હાલમાં સામે આવ્યું છે. બનાવને લઇ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ યુવક ડૂબ્યો હોવાની માહિતી મળતા જ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ યુવક જવારા પધરાવવા માટે અંદર ગયો હતો અને અચાનક ડૂબવા લાગ્યો હતો.
આ બનાવને લઇ ફાયર વિભાગની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ યુવકના મૃતદેહનો પોલીસે કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ બનાવને લઇ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ બનાવ કઈ રીતે બન્યો. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.