વડોદરામાં ઇલેક્ટ્રિક બસ માટે એસપીવી બનાવવાની દરખાસ્ત નામંજુર કરવા સ્થાયી સમિતિને પત્ર લખ્યો

વિપક્ષી નેતા અમી રાવતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલને પત્ર લખ્યો

MailVadodara.com - Wrote-letter-to-Standing-Committee-to-reject-proposal-to-form-SPV-for-electric-buses-in-Vadodara

- શહેરી બસ માટે SPV બનાવવાનો વિચાર ખોટો, 200 E-બસો દોડાવવા માટે બનાવવામાં આવનાર SPV ભ્રષ્ટાચારનું હબ બનશે : વિપક્ષી નેતાનો આક્ષેપ


વડોદરા મહાનગર સેવા સદનમાં આજે સ્થાયી સમિતિની બેઠક મળનાર છે. આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા શહેર અને વુડા વિસ્તારમાં બસ સર્વિસ પૂરી પાડવા માટે 200 ઇ-બસો લાવવામાં આવનાર છે. જે બસોની સર્વિસ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની (SPV) બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે લાવવામાં આવી છે. આ દરખાસ્ત કોર્પોરેશન અને શહેરના હિતમાં મંજૂર ન કરવા માટે વિપક્ષી નેતાએ સ્થાયિ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે, VMC દ્વારા 200 E-સર્વિસ બસો દોડાવવા માટે બનાવવામાં આવનાર SPV ભ્રષ્ટાચારનું હબ બનશે. આથી બસ સર્વિસની સેવા માટે કોર્પોરેશન પોતાનું ડિપાર્ટમેન્ટ ઉભું કરે.

વિપક્ષી નેતા અમી રાવતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં ઇ-બસો લાવીને શહેરમાં પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને અમે આવકારીએ છે. કારણ કે, વડોદરા કોર્પોરેશને જ્યારથી SPVએ પબ્લિક ટ્રાન્સ્પોર્ટનું કામ બંધ કર્યુ ત્યારે વિટકોસ કંપનીને કોન્ટ્રાક્ટથી બસ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેની સામે કોન્ટ્રાક્ટર વડોદરા કોર્પોરેશનને પ્રિમિયમ સ્વરૂપે લાખો રૂપિયા ચૂકવતો હતો.


તેમણે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, સ્માર્ટ સિટી બની અને ખૂબજ હોશિયારીથી સિટી બસ પ્રોજેક્ટને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં લેવામાં આવ્યો. જે ઇજારદાર વડોદરા કોર્પોરેશનને પ્રિમિયમ પેટે લાખો રૂપિયા ચૂકવતો હતો. તે સ્માર્ટ સિટીની SPV કંપની દ્વારા કરોડો રૂપિયા ચૂકવતા થયા અને ત્યાર બાદ અનેક વિવાદો આ શહેરી બસ સેવા અંતર્ગત થયા. કોર્પોરેશન હવે ઇ-બસ દ્વારા નાગરિકોની સુવિધા માટે શહેરી બસ સેવા શરૂ કરી રહી છે તે આવકાર દાયક છે, પરંતુ આ શહેરી બસ માટે SPV બનાવવાનો વિચાર છે તે ખોટો છે. તેને અમે અક્ષરસહ નકારીને વિરોધ કરીએ છીએ. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે શહેરના વિકાસના કામો માટે એક SPV બનાવવાની ગાઇડલાઇન આપી હતી.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ વડોદરા શહેરમાં પણ SPV બનાવી, પરંતુ તેમાં ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે એક માત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષને ડાયરેક્ટર બનાવેલ છે. બાકી બધા સરકારી અધિકારીઓને બનાવ્યા છે. આ SPVમાં કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અને ચીફ ઓડિટરનો પણ સમાવેશ કરાયો નથી. જે પણ એસ.પી.વી. બની છે, તેમાં આ બે મુખ્ય અધિકારીઓનો સમાવેશ કર્યો નથી. જે બતાવે છે કે કોર્પોરેશનના આર્થિક વહીવટો વ્યવહારો અને વહીવટોની ચકાસણી કરે છે, તેનો કોઇ SPVમાં લેવામાં આવેલ નથી. જેના કારણે કેટલીય બાબતો બહાર આવતી નથી. આ બાબતનો વિરોધ અમે જેતે સમયે કર્યો હતો. આજેપણ આ કંપનીના બંધારણની માંગણી સામાન્ય સભામાં કરીએ છીએ, પરંતુ તંત્ર દ્વારા આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની માંગણી કરીએ છીએ, પરંતુ આજદિન સુધી અમોને મળેલ નથી.


ઇ-બસ માટે SPVમાં કેપીટલ કોર્પોરેશન જ આપવાની છે અને ત્યાર પછીના વ્યવહારો માટે પણ કોર્પોરેશનના મુખ્ય ફંડમાંથી કેપીટલ જવાના છે. તો સિટી બસનો વહીવટ કોર્પોરેશન હસ્તક કેમ ન હોય? સ્માર્ટ સિટીમાં તો કેન્દ્ર અને રાજ્ય સરકારનો મોટો હિસ્સો હતો અને નિયમોમાં SPV બનાવવાનો ઉલ્લેખ હતો. જ્યારે ઇ-બસ માટે વડોદરા કોર્પોરેશન સ્વેચ્છાએ SPV બનાવી રહી છે, જે બનાવવી જોઇએ નહી. જ્યારે SPVનો તમામ ખર્ચ કોર્પોરેશન ભોગવવાની છે તો પછી તેનો વહીવટ એક કંપની કેવી રીતે કરી શકે? તેવો વેધક સવાલ વિપક્ષી નેતા અમી રાવતે પત્રમાં કર્યો છે.

વધુમાં અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વર્ષોથી સિટી બસ સેવા ચાલી રહી છે. વર્ષો પૂર્વે કોરર્પોરેશન દ્વારા સિટી બસ સેવા પૂરી પાડવામાં આવી હતી. ડબલ ડેકર બસો પણ ચાલતી હતી, ત્યારબાદ ઇજારો આપવાની શરૂઆત કરી. જેમાં કોર્પોરેશને લાખ્ખો રૂપિયાની આવક ગુમાવીને સિટી બસની સર્વિસ પૂરી પાડનાર ઇજારદારને ચૂકવી રહ્યું છે. શહેરીજનોને સારી બસ સર્વિસ પણ મળી રહી નથી. અગાઉ SPV દ્વારા કરવામાં આવેલું મેનેજમેન્ટ ફેલ ગયું છે. હવે ઇ-બસોની સર્વિસ માટે પુન ઇજારો આપવાની વાત છે. જોકે, પર્યાવરણની સુરક્ષા માટે ઇ-બસ આવકાર્ય છે. પરંતુ, 200 બસ જ્યારે કોર્પોરેશન ખરીદતું હોય તો તેણે ચલાવવા માટે SPV બનાવવાની જરૂરીયાત નથી.

વધુમાં જણાવ્યું કે, બંધારણે જ્યાારે એક કોર્પોરેટરનું માળખું આપ્યું છે. કોર્પોરેશન જ્યારે દરેક નિર્ણય લેતું હોય છે. ત્યારે ચૂંટાયેલી પાંખને બાયપાસ કરીને SPV બનાવવામાં આવે અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે માત્ર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રાખવામાં આવ્યા છે અને બાકીના અધિકારીઓને રાખવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા થયેલા વહિવટનો અનુભવ ખરાબ થયેલો છે. ત્યારે કોર્પોરેશન SPV ઉભું કરવાના બદલે ડિપાર્ટમેન્ટ ઉભું કરે અને સંચાલન કરે. દરેક કામ માટે SPV બનાવવામાં આવે છે, તેમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર થયેલો છે. આથી અમારી માંગ છે કે, ભ્રષ્ટાચાર કરવા માટે SPV લાવવા માટેની જે સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે તે દરખાસ્ત રદ કરે.

Share :

Leave a Comments