- સેવાસીમાં શિફ્ટ થયેલા પરીખ પરિવારે ઘરના કામકાજ માટે બે માસ પહેલાં માસિક 5 હજારના પગારમાં કામવાળી રાખી હતી
વડોદરા શહેરના છેવાડે આવેલા સેવાસીમાં ઉદ્યોગપતિ દંપતી મુંબઈ મિત્રના માતા-પિતાની 50મી મેરેજ એનિવર્સરી પ્રસંગમાં ગયું હતું. આ દરમિયાન ઘરમાં કામ કરતી મહિલા કબાટમાંથી રૂપિયા 7 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગઈ હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે કામ કરતી મહિલા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના નજીક સેવાસીમાં આવેલ 301, સ્પેન્સર એક્સ એપાર્ટમેન્ટ નેકસ્ટ ટુ વિસેન્ઝા હાઈટ્સ બંગલોઝમાં છેલ્લા બે માસથી રહેવા ગયેલા કરીશ્માબેન રજનીકાંત પરીખ પરિવાર સાથે રહે છે. તેઓ ગોરવા બી.આઇ.ડી.સી.માં આવેલી મશીન સ્પેર પાર્ટ્સ બનાવવાની કંપનીમાં ડાયરેક્ટર છે. તેઓના પતિને મુંબઈમાં ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે.
તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, સેવાસીમાં શિફ્ટ થયેલા પરીખ પરિવાર દ્વારા ઘરના કામકાજ માટે બે માસ પહેલાં વાસણા-ભાયલી રોડ ઉપર વુડાના મકાનમાં રહેતી રશ્મીકા રાજેશભાઇ માળી (રહે. બ્લોક નંબર-9, રૂમ નંબર-11, પંચમુખી હાઉસિંગ ફ્લેટ)ને માસિક રૂપિયા 5 હજારના પગારમાં રાખી હતી.
ઉદ્યોગપતિ પરિવાર 29 એપ્રિલના રોજ રજનીકાંત પરીખ તેમના મિત્ર રાલ ખત્રીના માતા-પિતાની 50મી મેરેજ એનિવર્સરી હોય તેઓ ગોલ્ડન જ્યુબિલી ઉજવતા હોવાથી મુંબઈમાં ગયા હતા. આ દરમિયાન 30 એપ્રિલના રોજ બપોરના સમયે કામવાળી રશ્મિકાએ મકાન માલિક કરીશ્માબેન પરીખને ફોન કર્યો હતો અને છ-સાત દિવસની રજા માગી હતી. તેણે જણાવ્યું હતું કે, 3મેથી કામ ઉપર આવીશ નહીં. બીજી કામવાળી શોધી લેજો, તેમ જણાવી ફોન કટ કરી દીધો હતો.
આ દરમિયાન ઉદ્યોગપતિ પરિવાર મુંબઈથી પરત ફર્યો હતો. ત્રણ દિવસ પહેલા કરીશ્માબેન દીકરા આર્યનો યુએસએનો વિઝા વેલીડ છે કે નહીં તે ચેક કરવા માટે પાસપોર્ટ કાઢવા ડ્રેસિંગ રૂમનું લોકર ખોલ્યું હતું. ત્યારે લોકરમાં સોનાની આઠ બંગડી, સોનાની આશરે 40 ગ્રામ વજનની ચાર ગીની, સોનાની એક મોટી ગીની (બિસ્કિટ) મળી કુલ 7 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના ભરેલી મુકેલી કપડાની થેલી ન જોતાં ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન કરીશ્માબેન પરીખે કામવાળી રશ્મીકા માળીને ફોન કરતા ફોન સ્વિચ ઓફ બતાવ્યો હતો. બાદમાં કામવાળીના પતિ અને તેના સસરાને જાણ કરવા ફોન કરતા બન્નેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.
જાે કે ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી કરીશ્માબેન પરીખને ચોક્કસ ખાતરી થઈ હતી કે, સોનાના દાગીના કામવાળી રશ્મીકા માળી ચોરી ગઈ છે. આથી તેઓએ તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ તુરંત જ પહોંચી ગઈ હતી અને વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસે કામવાળી રશ્મીકા માળીના ઘરે તપાસ કરતા પરિવાર મળી આવ્યો ન હતો અને મકાન લોક હતું.
આથી કરીશ્માબેને સોનાના દાગીનાની ચોરી ઘરમાં કામ કરતી રશ્મીકા રાજેશભાઇ માળી ચોરી કરી ગઈ હોવાની શંકા વ્યક્ત કરી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ તાલુકા પોલીસ મથકના સિનિયર પીએસઆઇ વી.જી. લાંબરિયા કરી રહ્યા છે.