શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા વડોદરા પોલીસ અને કોર્પોરેશન દ્વારા ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પરના ડીવાઈડર ખાતેના અનધિકૃત 60 જેટલા કટની ઓળખ કરી 37 કટ બંધ કરાયા છે. જ્યારે 23 લોકેશન પર વિરોધના કારણે કામગીરી અટકી પડી છે. હવે પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી પાર પાડશે. તેમજ કુંભારવાડા સહિતના કેટલાક સ્થળોએ કટ બંધ કરવા ઉપયોગમાં લીધેલ બોલાર્ડ ગણતરીના કલાકોમાં નીકળી ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
વડોદરા શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા પોલીસ અને પાલિકા જરૂરી પગલાં ભરી રહ્યું છે. ખાસ કરીને, શહેરમાં પીકઅવર્સ દરમ્યાન ટ્રાફિકનું ભરણ વધુ રહે છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા કેટલાક સર્કલો નાના કરાયા છતાં પરિસ્થિતિ યથાવત છે. હાઇવે તરફથી શહેરમાં પ્રવેશવાના જંકશનો ખાતે પણ ભારે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. તો બીજીતરફ શહેરમાં ટ્રાફિક ભારણની રજૂઆતો ધ્યાને રાખી પોલીસ જરૂરિયાત સ્થળે ફોર્સ વધારી રહી છે. જંકશનોની વિઝીટ બાદ તારણ કાઢી સિગ્નલોમાં ફેરફાર કરી રહી છે. લોકોને ડાબી તરફનો માર્ગ ખુલ્લો મળી રહે તે માટે સ્પ્રિંગ પોસ્ટની કામગીરી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસ કોર્પોરેશનને સાથે રાખી દબાણ અંગે સતત કામગીરી કરી રહ્યું છે, પરંતુ દબાણો પુનઃ થઈ જતા ટ્રાફિકમાં અડચણ યથાવત રહે છે. લોકો ખરીદી સમયે માર્ગ ઉપર વાહનો નડતરરૂપ ન બને તેવા પાર્ક કરે તેવી પોલીસની અપીલ છે.