ભાયલીમાં મિસ્ત્રી દંપતિને નકલી સોનાના સિક્કા આપી 5.60 લાખની ઠગાઇ કરનાર મહિલાઓ CCTVમાં કેદ

500 ગ્રામ સોનાના સિક્કા જોઇ સસ્તામાં ખરીદવાની લાલચમાં ભાયલીમાં રહેતું મિસ્ત્રી દંપતિ છેતરાયું

MailVadodara.com - Women-who-defrauded-Mistry-couple-of-Rs-5-60-lakh-by-giving-fake-gold-coins-in-Bhayli-caught-on-CCTV

- ઘી વેચવા આવેલી મહિલાઓ એક કિલો 500માં આપતી હોવાથી ઘરમાં બોલાવી હતી

- બીજા દિવસે મફતમાં દૂધ આપવાના બહાને ઠગ મહિલાઓએ નકલી સોનાના સિક્કા બતાવી 10 લાખમાં સોદો કરી બદલામાં 3.75 લાખ રૂપિયા હોય અસલી દાગીના લઇ ફરાર થઇ ગઇ


શહેર નજીક આવેલા ભાયલી ગામના સુથાર ફળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર મિસ્ત્રી દંપતિના ઘરે ઘી વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓ નકલી સોનાના સિક્કા પકડાવી રૂપિયા 3.75 લાખ રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ્લે રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ લઇ રફૂચક્કર થઇ ગઇ હતી. લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ લઇ રફૂચક્કર થઇ જનાર  CCTV માં કેદ થઇ છે. તાલુકા પોલીસે  CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.  

ઘરમાં આવી રોકડ અને અસલી સોનાના દાગીના લઇ જનાર ઠગ મહિલાઓ અંગે હિતેષભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઠગ મહિલાઓ દેશી ઘી વેચવા આવી હતી. બજારમાં રૂપિયા 800ના ભાવે એક કિલો મળતું ઘી રૂપિયા 500 માં આપતી હોવાથી લેવા માટે ઘરમાં બોલાવી હતી. અને આ મહિલાઓ બીજે દિવસે દૂધ આપવાના નામે આવી હતી. અને નકલી સોનાના સિક્કા બતાવી રૂપિયા 10 લાખમાં સોદો કર્યો હતો. અને તેના બદલામાં રોકડ રૂપિયા 3.75 લાખ અને અસલી સોનાના દાગીના લઇ પલાયન થઇ ગઇ હતી. પોલીસ  CCTV માં કેદ મહિલાઓને ઝડપી પાડી અમારો મુદ્દામાલ પરત અપાવે તેવી આશા રાખીએ છે. 


તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇ મિસ્ત્રી (ઉં.વ.42) ભાયલી ગામમાં સુથાર ફળિયામાં કોન્ટ્રાક્ટર પતિ અને બે બાળકો સાથે રહે છે. તા.30 ડિસેમ્બર-023ના રોજ બપોરના સમયે તારાબહેન અને તેમના સાસુ ગીતાબહેન ઘરે હતા. તે દરમિયાન ફળિયામાં  દેશી ઘી વેચવા માટે બે મહિલાઓ આવી હતી. તેઓને ઘર વપરાશ માટે ઘી લેવાનું હોવાથી ઘી વેચવા આવેલી મહિલાઓને પોતાના ઘરે લઇ ગયા હતા. રૂપિયા 1000 માં 2 કિલો ઘી ખરીદ્યુ હતું.

દરમિયાન, બે મહિલાઓએ તારાબહેનને જણાવ્યું હતું કે, અમો ભૂખ્યા છે જમવાનું હોય તો આપો. તારાબહેનને દયા આવતા તેઓએ બંને મહિલાઓને જમાડ્યા હતા. જમ્યા બાદ મહિલાઓએ જણાવ્યું કે, તમે અમોને જમાડ્યા છે. આથી અમારે તેનું ઋણ ચૂકવવું પડે. અમે કાલે દૂધ લઇને આવીશું. બોટલ આપો. આથી તારાબહેને દૂધ લાવવા માટે  પ્લાસ્ટીકનો ડબો આપ્યો હતો. બંને મહિલા ડબો લઇને ચાલ્યા ગયા હતા. અને જતા સમયે મહિલાઓએ જણાવ્યું કે, તમારા પતિને ઘરે રાખજો અમારે સલાહ લેવી છે. 


તા.31-12-023ના રોજ બપોરના 2 વાગ્યાના સમયે બંને મહિલાઓ પુનઃ દૂધ લઇને તારાબહેન મિસ્ત્રીના ઘરે આવી પહોંચી હતી. તે સમયે તારાબહેનના પતિ ઘરે ન હતા. આથી તારાબહેને ફોન કરીને પતિ હિમેશભાઇ મિસ્ત્રીને બોલાવી લીધા હતા. બંને મહિલાઓએ મિસ્ત્રી દંપતિને પોતાની સામે બેસાડ્યા હતા. બે મહિલા પૈકી એક મહિલાએ પોતાની સાડીના છેડામાં બાંધેલો એક સિક્કો તારાબહેનને આપ્યો હતો. અને તે સિક્કો તેઓએ પતિ હિમેશ અને સાસુ ગીતાબહેનને પણ પકડાવ્યો હતો.

આ દરમિયાન, બે મહિલા પૈકી એક મહિલા ઘરની બહાર અન્ય એક મહિલા ગગીબહેનને બોલાવવા માટે ગઇ હતી. તે સમયે ઘરમાં બેઠેલી મહિલાએ દંપતિને જણાવ્યું  કે, અમે દેશી ઘી જે ભાવે વેચીએ છે તે બરાબર છે. ત્યારે દંપતિએ કહ્યું કે, બરાબર છે. બાદમાં  મહિલાએ હિમેશભાઇ મિસ્ત્રીને કહ્યું કે, અમારા શેઠની મોટા રોડ નજીક ગૌશાળા છે. ત્યાં અમો દૂધમાંથી માવો બનાવવા માટેનો ચુલો કરવા ખાડો ખોદી રહ્યા હતા. તે સમયે સોના-ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો છે.


મહિલાએ કોન્ટ્રાક્ટર હિતેશભાઇ મિસ્ત્રીને વિશ્વાસમાં લેવા માટે વાતને આગળ ધપાવતા જણાવ્યું કે, સોના-ચાંદી જેવી મળેલી વસ્તુનું શું કરવું તે અંગે કંઇ ખબર પડતી નથી. આ વાત ચાલતી હતી તે સમયે જ અન્ય બે મહિલાઓ આવી પહોંચી હતી. અને સોના જેવી ચળકાટ મારતા સિક્કા ભરેલી પ્લાસ્ટીકની થેલી મિસ્ત્રી દંપતિ સામે મૂકી દીધી હતી. અને મહિલાઓએ જણાવ્યું કે, આ સાચા છે કે ખોટા તેની અમોને ખબર પડતી નથી. આપડે સોનીને બતાવી જોઇએ. પરંતુ, સોની કોણ હોય છે તેની અમને ખબર નથી.

મહિલાઓએ આગળ જણાવ્યું કે, તમે આ સિક્કા લઇ લો અને અમોને થોડા પૈસા આપી દો. તેમ કહી સિક્કા ભરેલ થેલીનું વજન ચેક કરી લો. હાથમાં સિક્કા ભરેલી થેલી દંપતિએ પકડતા 500 ગ્રામ જેટલું વજન જણાઇ આવ્યું હતું. તુરંત જ મહિલાએ હિતેષભાઇને કહ્યું કે, અમોને રૂપિયા 10 લાખ આપી દો. જોકે, દંપતિએ કહ્યું કે, આટલી મોટી રકમ ઘરમાં નથી. હાલમાં રોકડા રૂપિયા 3,75,000 છે. ત્યારે મહિલાઓએ કહ્યું આ રકમ બહું ઓછી છે.


આ દરમિયાન મહિલાઓએ કહ્યું કે, જે રોકડ છે તે અમોને આપી દો અને બાકીની રોકડ રકમની બે દિવસમાં વ્યવસ્થા કરી રાખજો. અને હાલ સોનાની તૂટેલી ઘરમાં વસ્તુઓ હોય તે આપી દો. આથી દંપતિએ 500 ગ્રામ સોનાના સિક્કાની લેવાની લાલચમાં ઘરમાંથી સોનાની બાળકોની તૂટેલી 5 વિંટી, તારાબહેને પોતાની 1 તોલાની ચેઇન, હિતેષભાઇની 12 ગ્રામની 1 સોનાની લકી, અને લેડીઝને પહેરવાની 10 ગ્રામની સોનાની 1 લકી તેમજ રોકડ રૂપિયા 3,75,000 મળી કુલ્લે રૂપિયા 5,60,000 નો મુદ્દામાલ આપી દીધો હતો.

ઠગ મહિલાઓએ રોકડ રકમ અને સોનાના અસલી દાગીના લીધા બાદ મહિલાઓએ મિસ્ત્રી દંપતિને જણાવ્યું કે, બે-ત્રણ દિવસમાં તમે રોકડની વ્યવસ્થા કરી રાખજો. અમે રોકડ રકમ લઇને તમે આપેલા દાગીના પરત આપી જઇશું. તેમ જણાવી ત્રણ મહિલાઓ રફૂચક્કર થઇ ઇ હતી.

દરમિયાન મહિલાઓ ત્રણ દિવસ સુધી ઘરે ન આવતા મિસ્ત્રી દંપતિએ મહિલાઓએ આપેલા સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતા સિક્કા નકલી હોવાનું જણાઇ આવ્યું હતું. મિસ્ત્રી દંપતિએ સોનાના સિક્કા નકલી હોવાનું જાણતા જ સ્તબ્ધ થઇ ગયું હતું. બાદમાં આ બનાવ અંગે તારાબહેન ઉર્ફ તેજલબહેન હિતેશભાઇ મિસ્ત્રીએ તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઠગ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ સિનીયર પી.એસ.આઇ. એ. ઓ. ભરવાડે ઠગ મહિલાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments