- 3 દિવસથી પાણીના ન મળતાં ગૃહિણીઓએ પાણી આપો... પાણી આપો...ના સૂત્રોચાર કર્યાં
વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવારને જીતાડી લાવનાર મતદારો હવે પસ્તાવો કરી રહ્યા છે. બુધવારે વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાંખતા નગરમાં આખી રાત અંધાર પટ રહ્યો હતો. પાલિકા વીજ બિલનો પ્રશ્ન ઉકેલી શકી નથી. ત્યાં પાણી માટે વલખાં મારતી નગરની મહિલાઓએ આજે પાલિકામાં પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.
ભાજપા શાસિત સાવલી નગરના અનેક વિસ્તારોના લોકોને છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જેમાં ખાસ કરી ઘરમાં રહેતી મહિલાઓને પાણી વગર દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા. સ્થાનિક નગર સેવકો અને કચેરીના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતાં મહિલાઓનો મોરચો પાલિકાની કચેરીમાં ધસી ગયો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો.
નગરની મહિલાઓએ કચેરીમાં પહોંચી પાલિકાના સત્તાધીશોને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી હતી. મહિલાઓની ધારદાર રજૂઆત સામે ચીફ ઓફિસરે મૌન સેવી લેતાં મહિલાઓ વધુ રોષે ભરાઇ હતી અને પાલિકાને અડધો કલાક સુધી બાનમાં લઇ લીધી હતી.
સાવલી નગરપાલિકા પાણી આપો... પાણી આપો... જેવા ભારે સૂત્રોચાર સાથે સાવલી નગરપાલિકાનો ઘેરાવો કર્યો હતો. મહિલાઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, એમજીવીસીએલ દ્વારા બુધવારે સાવલી નગરપાલિકાના બાકી રહેલ વીજ બિલને લઇને વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. જેના કારણે નગરજનોએ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ત્યાં આજે નગરની મહિલાઓએ પાણી બાબતે વહિવટ કરતાઓ સામે રોષ ઠાલવ્યો હતો.