તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રિય કક્ષાની તરણ સ્પર્ધામાં વડોદરામાં રહેતા 60 વર્ષીય કરૂણાસિંગે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. એટલું જ નહીં એથ્લેટિક્સમાં પણ તેઓએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા છે. ગત નવેમ્બરમાં અંબાલા ખાતે યોજાયેલી રાષ્ટ્રિય તરણ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવીને કરૂણાસિંગ આંતરરાષ્ટ્રિય તરણ સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે.
વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા વડોદરા એરપોર્ટના નિવૃત એર ટ્રાફિક કન્ટ્રોલર રાકેશ સિંગના પત્ની કરૂણાસિંગ એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં પોતાની સફળતા અંગે વાત કરતા કહે છે કે, હું 6 વર્ષની ઉંમરથી સ્વિમિંગ કરું છું. મારી પુત્રીના લગ્ન બાદ હું સંપુર્ણ નિવૃત્ત છું, એટલે મારો મોટાભાગનો સમય એથ્લેટિક્સ અને સ્વિમિંગ પાછળ જ જાય છે. તા.૨૬ થી ૨૮ મે દરમિયાન દિલ્હીમાં સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા નેશનલ ગેમ્સ યોજાઇ હતી. જેમાં મેં એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં ભાગ લીધો હતો.
એથ્લેટિક્સમાં ૫૦૦૦ વોક રેસમાં ગોલ્ડ અને ડિસ્ક થ્રો તથા ૬૦ મીટર રેસમાં સિલ્વર જીત્યા છે, તો સ્વિમિંગમાં ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, ૫૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, ૨૫ મી બ્રેસ્ટ સ્ટ્રોક, ૧૦૦ મીટર બેક સ્ટ્રોક, ૫૦ બાય ૪ એફ.એસ.રિલેમાં અને ૫૦ બાય ૪ મેડલી રીલે મળીને ૬ ઇવેન્ટમાં ૬ ગોલ્ડ જીત્યા છે.