- ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ના પાંચ દિવસીય અભ્યાસ કાર્યક્રમમાં મહિલા કાઉન્સિલરો ભાગ લેશે
સિક્કિમ ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થા દ્વારા આયોજિત 5 દિવસીય પરીસંવાદ યોજાનાર છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા કાઉન્સિલરો ભાગ લેશે. આ તમામ ખર્ચ પાલિકા દ્વારા કરવામાં આવવાનો હોવાથી વિવાદ સર્જાયો છે, કારણ કે તમામ કાઉન્સિલર પ્લેન મારફતે જશે અને ત્યાં રહેવાનો તમામ ખર્ચ પ્રજાના માથે આવશે.
કોંગ્રેસના સમયમાં પ્રજાના પૈસે કોર્પોરેટરો દેશના વિવિધ મુખ્ય શહેરોની મુલાકાત લેતા હતા તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો કરતા રહ્યા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવ્યા બાદ પ્રજાના પૈસે થતા અભ્યાસના બહાને થતા આવા પ્રવાસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અગાઉ જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે હાલના શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. ત્યારે તેમના સમયમાં મહિલાઓ એ ઊટી અને પુરુષોએ સીમલાનો પ્રવાસ કર્યો હતો. તે સમયે પણ વિરોધ થયો હતો. ત્યારબાદ બે વર્ષ અગાઉ સિક્કિમનો પ્રવાસ નક્કી થયો હતો પરંતુ તે સમયે વડોદરા ખાતે પ્રધાનમંત્રી અને પેટ્રોલિયમમંત્રીનો કાર્યક્રમ નક્કી થતાં તે પ્રવાસ પડતો મુકાયો હતો અને ત્યારબાદ કોરોના શરૂ થતા પ્રજાના પૈસે થતા આવા પ્રવાસો પર બ્રેક લાગી હતી.
વડોદરાની ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા તારીખ 10 મીએ સિક્કિમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓનું યોગદાન વિષય પર બે દિવસનો પરિચય રાખવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 35 જેટલી મહિલા કોર્પોરેટર પ્લેન દ્વારા પ્રવાસે જનાર છે. અને ત્યાં હોટલમાં રહેવાનું અને જમવાનું તમામ ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે જેથી ફરી એકવાર પ્રજાના પૈસે પરી સંવાદ કે અભ્યાસના બહાને કોર્પોરેટરો એ પ્રવાસ શરૂ કરવાનું આયોજન કર્યું છે જેથી વિવાદ સર્જાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રવાસનો તમામ ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું છે જેમાં 35 મહિલા કોર્પોરેટરની પ્લેનની ટિકિટ તેમજ પાંચ દિવસ હોટલમાં રહેવા માટે અંદાજે 20 જેટલી રૂમોનું બુકિંગ અને જમવાની વ્યવસ્થામાં વડોદરાથી કેટરિંગના કોન્ટ્રાક્ટરને સાથે રાખવાનું નક્કી થયું છે. જેનો અંદાજિત ખર્ચ રૂ.25 લાખ જેટલો થશે તેમ માનવામાં આવે છે ત્યારે પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા કોર્પોરેટરો માટે લોકોમાં રોષ વ્યાપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1995 પહેલા કોંગ્રેસનું રાજ હતું ત્યારે પૂર્વ મેયર ડોક્ટર જતીન મોદી અને કેટલાક કોર્પોરેટરો પ્રજાના પૈસે અભ્યાસના બહાને પ્રવાસે જતા હતા. ત્યારે હાલના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને તેમના ટેકેદારો દ્વારા રેલવે સ્ટેશનથી સયાજીગંજ સુધી તેઓને ધક્કે ચડાવીને પ્રવાસે નહીં જવા દઈ વિરોધ કર્યો હતો. હવે ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરો પ્રજાના પૈસે અભ્યાસના કે પરીસંવાદના બહાને પ્રવાસ જવાની શરૂઆત કરી છે ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરોધ કરશે કે કેમ?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના રાજ સમયે અવારનવાર પ્રજાના પૈસે અભ્યાસના બહાને દેશ અને વિદેશના પ્રવાસો થતા રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ વિરોધ કરીને પ્રવાસ અટકાવવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી 1995માં સત્તા પર આવી ત્યારે તે સમયના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સત્તાવાર જાહેરાત કરી હતી કે, પ્રજાના પૈસે થતા પ્રવાસો કોઈ પણ કોર્પોરેટર કરશે નહીં પરંતુ થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ તેવો સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. ત્યારે પહેલા મહિલા કોર્પોરેટરોને ઉટી અને ત્યારબાદ પુરુષ કોર્પોરેટરોની સીમલા ખાતે પ્રજાના પૈસે પ્રવાસ કર્યો હતો.
આધારભૂત સૂત્રો મુજબ, વર્ષ 2020માં સિક્કિમ ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં મહિલા કાઉન્સિલરો જવાના હતા. પરંતુ તે સમયે વડોદરા દરજીપુરા ખાતે પ્રધાનમંત્રી અને પેટ્રોલિયમ મંત્રીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા પ્રવાસ રદ થયો હતો. તે સમયે પણ પ્લેનની ટિકિટ સહિતના ખર્ચ પાછળ રૂ. 12 લાખનો ખર્ચ થયો હતો. જે ખર્ચ પાલિકાના માથે પડ્યો હતો.