- પીસીબી પોલીસે ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, વધુ કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપાઇ
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા નહેરૂનગરમાં રહેણાક મકાનમાં પીસીબીની ટીમે રેડ કરીને 1.13 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડવામાં આવી હતી. આરોપી સહિત મુદ્દામાલ મહિલા આરોપીને આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
31 ડિસેમ્બરના લઈને બુટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે દારૂનો જથ્થો મંગાવતા હોય છે. જેથી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પીસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, આજવા રોડ પર ચાચા નહેરુનગરના મકાન નંબર 716માં રહેતી દિપીકા ઉર્ફે પલ્લવી મયુર ખાવરીયા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને હાલમાં છુટકમાં વેચાણ કરે છે. જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરી હતી. ત્યારે મકાનમાં મહિલા બુટલેગર મકાનમાં હાજર મળી આવી હતી. જેથી પીસીબીની ટીમે મહિલા સાથે રાખીને ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી રૂ. 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂનું વેચાણ પર સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.