- ઘરમાં દારૂનો જથ્થો લાવનાર પુત્રને વોન્ટેડ જાહેર કરાયો
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં વુડાના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડી કરીને ૩૭ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે ઘરમાં દારૂ લાવી રાખનાર પુત્રને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આર. જી. જાડેજા પોતાના સ્ટાફ સાથે શહે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયારનગર સ્થિત વુડાના મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરતા ગૌરીબેન કિશનભાઇ મારવાડી નામની મહિલા ઝડપાઈ હતી. જેથી તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા રૂ. ૩૭ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે મહિલાની દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવી હતી તેવી પૂછપરછ કરતા તેણે વિદેશી દારૂનો જથ્થો તેનો પુત્ર દર્શન મારવાડીએ ઘરમાં લાવી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરકકડ કરી હતી. જ્યારે તેના પુત્રને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ મહિલાની ધરપકડ કરી બાપોદ પોલીસ સ્ટેશનને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે પકડેલ ગૌરીબેન મારવાડી સામે અગાઉ પ્રોહિબીશન એક્ટ હેઠળ બાપોદ પોલીસ અને વારસિયા પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, આ ઉપરાંત તેના પુત્ર દર્શન મારવાડી સામે પણ વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ૪ જેટલા ગુના નોંધાયેલા છે.