અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો? કહી અમદાવાદના બે કિન્નર ઉપર સ્થાનિક કિન્નરોએ હુમલો કરી દાગીના-રોકડ લૂંટી લીધા

હુમલાનો ભોગ બનેલા કિન્નરોના ગુરુએ કહ્યું, અમે ડભોઇમાં મૈયતમાં આવ્યા હતાં

MailVadodara.com - Why-have-you-come-to-our-area-Two-kinnars-of-Kahi-Ahmedabad-were-attacked-by-local-kinnars-and-robbed-of-jewellery-cash

- સ્થાનિક કિન્નરો 3 ગ્રામ વજનની સોનાની કડી, નાકની સોનાની જડ અને તેની પાસેના યજમાન વૃત્તિના રૂપિયા 2200 મળી કુલ રૂપિયા 14,050ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા

કિન્નરોમાં હદને લઈને અવારનવાર વિવાદ સર્જાતો હોય છે. ત્યારે અમદાવાદથી ડભોઇ આવેલા બે કિન્નરો સવાર ઓટો રિક્ષાને વેગા ચોકડી પાસે સ્થાનિક કિન્નરોએ રોકી હતી. અમદાવાદથી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો? તેમ જણાવી જીવલેણ હુમલો કર્યો હતો. આ સાથે જ તેઓએ પહેરેલા દાગીના અને રોકડ મળી 14,000 ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે હુમલાનો ભોગ બનેલા કિન્નરોના ગુરુએ જણાવ્યું હતું કે, અમે યજમાનવૃત્તી કરવા નહીં પણ ડભોઇમાં મૈયતમાં આવ્યા હતાં.

મળેલી માહિતી પ્રમાણે, અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઉષાભાવ ઠાકરે નગર, ગરીબ આવાસમાં 99 નંબરના મકાનમાં રહેતા રોનીકાદે આરતીદે પવૈયા (ઉંમર વર્ષ 21) તેમજ માયાદે શીતલદે પવૈયા સમી સાંજે ઓટો રિક્ષામાં ડભોઇ જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક કિન્નરોને બે કિન્નરો ડભોઇ ખાતે આવી રહ્યા હોવાની જાણ થતા આ કિન્નરોની ઓટો રિક્ષાને ડભોઈ વેગા ચોકડી પાસે રોકી હતી અને નજીકમાં આવેલ બંધ પાર્ટી પ્લોટમાં બંને કિન્નરને લઈ ગયા હતા અને તેઓ ઉપર ડંડાથી જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સ્થાનિક કિન્નરોએ રોનીકાદે પવૈયાના કાનમાં પહેરેલ 3 ગ્રામ વજનની સોનાની કડી અને તેના સાથીદાર માયાદે પવૈયાએ પહેરેલ નાકની સોનાની જડ અને તેની પાસેના યજમાન વૃત્તિના રૂપિયા 2200 મળી કુલ રૂપિયા 14,050ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક કિન્નરોના હુમલાનો ભોગ અને લૂંટનો ભોગ બનેલા અમદાવાદના કિન્નર રોનીકાદેએ ડભોઇ પોલીસ મથકમાં હુમલો કરીને લૂંટ ચલાવનાર ડભોઇ ઝારોલા વાડી ખાતે રહેતા કિન્નરો વૈશાલી કુવંર, જોયા કુવંર, ખુશી કુવંર, દિવ્યા કુવંર અને પલ્લવી ઉર્ફે પવન કુવંર સામે ફરિયાદ નોંધાવી હતી. ડભોઇ પોલીસે ફરિયાદના આધારે હુમલાખોર કિન્નરો સામે હુમલો અને લૂંટનો ગુનો દાખલ કરીને તેઓ સામે કાર્યવાહી હાથ ઘરી છે. આ બનાવની વધુ તપાસ ડભોઇ પોલીસ મથકના પી.આઇ. એસ. જે. વાઘેલા કરી રહ્યા છે.

હુમલાખોર ટોળકીનો ભોગ બનેલા અમદાવાદના કિન્નરોના ગુરુ આરતીદેએ જણાવ્યું હતું કે, હુમલાનો ભોગ બનેલા બે કિન્નરો રોનિકાદે પવૈયા અને માયાદે પાવૈયા સહિત અમો ડભોઇ ખાતે અમારા સમાજના કિન્નરના મૈયત પ્રસંગે અલગ-અલગ રિક્ષાઓમાં ડભોઇ જઈ રહ્યા હતા. અમારી રિક્ષા આગળ હતી. જ્યારે હુમલાનો ભોગ બનેલા બંને કિન્નરો બીજી રિક્ષામાં પાછળથી આવી રહ્યા હતા. તે દરમિયાન ડભોઇ વેગા ચોકડી પાસે આ ઘટના બની હતી. અમે ડભોઇ વિસ્તારમાં યજમાનવૃત્તી કરવા માટે આવ્યા ન હતા. પરંતુ મૈયત પ્રસંગે જઇ રહ્યા હતા. સ્થાનિક કિન્નરોએ ખોટો આરોપ મૂકીને અમારા કિન્નરો પર હુમલો કરીને લૂંટ ચલાવી છે. હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Share :

Leave a Comments