વડોદરાની MSUમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો હોસ્ટેલના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત

મૂળ પોરબંદરનો વનરાજ રાતીયા સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો

MailVadodara.com - While-studying-in-MSU-a-student-committed-suicide-by-hanging-himself-with-a-fan-in-his-hostel-room

- વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી

- સુસાઈડ નોટમાં લખ્યું- કોઈનો વાંક નથી, મારી જાતે પગલું ભર્યું છે


વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ પોરબંદર તાલુકાના રાતીયા ગામે રહેતો 18 વર્ષનો વનરાજ મુળુભાઈ રાતીયા એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નિઝામપુરા રોડ પર આવેલી ડાયમંડ જુબેલી હોસ્ટેલના રૂમ નંબર 22માં રહેતો હતો. ગઈકાલે તે કોલેજ ગયો ન હતો અને તેને રૂમમાં રહેતા અન્ય બે વિદ્યાર્થી કોલેજમાં ગયા હતા. સાંજે કોલેજ છૂટ્યા પછી બંને રૂમ પાર્ટનર રૂમ પર આવ્યા ત્યારે રૂમનો દરવાજો બંધ હતો તેઓએ અંદર જઈને જોયું તો વનરાજે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવતા વોર્ડને ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. 


આ બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં આ 18 વર્ષીય યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આત્મહત્યાનું  ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ વનરાજે લખેલી એક અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી છે, જેમાં તેણે માતા પિતાના મોબાઈલ નંબર તેમજ ‘ગુડ બાય ઓલ ઓફ યુ’ લખ્યું હતું. પોલીસે તેના પરિવારજનોને વતનમાં જાણ કરી છે તેમના પરિવારજનો આવ્યા પછી વધુ વિગતો જાણવા મળશે.


પોલીસને મૃતકનો મોબાઇલ ફોન પણ મળ્યો છે પરંતુ તે ફોન પેટર્નથી લોક કરેલો હોય ખુલી શક્યો નથી. મોબાઇલ ફોનનું લોક ખોલવા માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે. મોબાઇલનું લોક ખુલ્યા પછી જાણવા મળશે કે તેણે કોઈ મેસેજ કે કોલ કર્યો છે કે કેમ ? છેલ્લે તેણે કોની સાથે વાત કરી તે પણ પોલીસ તપાસ કરી રહી છે.


આ અંગે ફતેગંજ પોલીસ મથકનાં પી.આઇ અજયદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ યુવક એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ બાબતે પરિવારને જાણ કરાઇ છે અને આત્મહત્યા ક્યાં કારણોસર કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Share :

Leave a Comments