વડોદરામાં બાઇક ઉપર નોકરી જતાં યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું, લોહી વહી જતા ઉંધા મોંઢે પટકાયો

મકરપુરામાંથી પસાર થતાં યુવાનના ગળામાં પતંગની દોરી ભરાતા તે નીચે પટકાયો હતો

MailVadodara.com - While-going-to-work-on-a-bike-in-Vadodara-a-young-mans-throat-was-cut-by-a-kite-string-he-was-thrown-upside-down-while-bleeding

- યુવાનનું ગળું કપાતા લોહીના ફૂવારા ઉડ્યા, સ્થાનિકોએ કપડું મૂકી લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો

ઉત્તરાયણને પંદર દિવસ થઇ ગયા છે છતાં શહેરમાં કેટલાંક લોકો દ્વારા ધારદાર દોરીનો ઉપયોગ કરીને પતંગો ચગાવી રહ્યા છે. આજે મકરપુરામાંથી બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ ગયું હતું. ધારદાર દોરીથી ગળું કપાતા લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. શરીરમાંથી લોહી વહી જતાં યુવાન સ્થળ પર ઢળી પડ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


મળતી માહિતી પ્રમાણે શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપરથી વિપુલ પટેલ નામનો યુવાન પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના ગળામાં પતંગની ધારદાર દોરી ભરાતા તે બાઇક ઉપરથી નીચે પટકાયો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. યુવાનના ગળામાં દોરી આવતા જતાં લોહીના ફૂવારા ઉડવા લાગ્યા હતા. જોતજોતામાં તે લોહીથી લથપથ થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ તેના ગળામાં રૂમાલ અને કપડું મૂકી લોહીને વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સ પણ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હતી.

લોહીથી લથપથ થઇ ગયેલા યુવકના શરીરમાંથી લોહી વહી જવાના કારણે તે સ્થળ પર ઉંધા મોંઢે પટકાયો હતો. એમ્બ્યુલન્સ કર્મચારીઓએ ટોળે વળેલા લોકોની મદદ લઇ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં રવાના કર્યો હતો. આ બનાવને પગલે ટોળે વળેલા લોકોએ ધારદાર દોરી સંપૂર્ણ બંધ કરાવી દેવી જોઇએ. તેવો રોષ પણ ઠાલવ્યો હતો.


નોંધનીય છે કે, પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ શહેર પોલીસ તંત્ર દ્વારા ચાઇનીસ દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યું હતું. આમ છતાં, કેટલાંક પતંગ રસીયાઓએ ચોરી-છૂપીથી ચાઇનીસ દોરીની વ્યવસ્થા કરીને પતંગો ઉડાવી હતી અને ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ઉત્તરાયણ પર્વને પંદર દિવસ વિતી ગયા હોવા છતાં, કેટલાંક પતંગ રસીયાઓ હજુ પણ પતંગો ઉડાવી રહ્યા છે.

ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ઉત્તરાયણના તહેવાર બાદ વીજ કંપની દ્વારા તાર અને ઝાડ ઉપર લટકતા દોરા હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ જાણે આ વર્ષે વીજ કંપની દ્વારા આ પ્રકારની કોઇ કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Share :

Leave a Comments