- ભેજાબાજે આપેલી લીંક પર પીએનઆર નંબર તેમજ ટિકિટ રિફંડ માટે બેંક નંબર નાખતા ૩ ટ્રાન્જેક્શન થયા હતા
સરકારી કંપનીઓના નામે બોગસ વેબસાઈટ અને ટોલ ફ્રી નંબર મૂકી ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે, ત્યારે શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ભદ્રેશભાઈ મહેતા સાથે આવી જ રીતે છેતરપિંડી થતાં તેમને સાયબર સેલને જાણ કરી હતી.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ભદ્રેશભાઇ મહેતાએ સાયબર સેલ પોલીસને કહ્યું છે કે, અમે મથુરા જવા માટે ૩૭ ટિકિટોનું ગ્રુપ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આ ટિકિટો રદ કરવી પડી હતી. મેં ટિકિટ બુક કરનાર એજન્ટને વાત કરતા રિટર્ન ટિકિટનું રૂપિયા 34,000 રિફંડ મળી ગયું હતું. પરંતુ મથુરા જવાની ટિકિટોનું રૂપિયા 45,000 રિફંડ પરત મળ્યું નહીં હોવાથી મેં રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જઈ પૂછપરછ કરી હતી. પરંતુ ત્યાંથી ઓનલાઇન ટિકિટ કરી હોવાથી અહીંથી સ્ટેટસ જોઈ શકાશે નહીં તેમ કહેવામાં આવ્યું હતું.
તેમણે ફરિયાદમાં વધુમાં કહ્યું છે કે, ત્યારબાદ તા. 19 ઓગસ્ટના રોજ મેં મારા મિત્ર પાસે આઇઆરસીટીસીનો ટોલ ફ્રી નંબર મેળવ્યો હતો. જેના પર કોલ કરતા ફોન કટ થઈ ગયો હતો અને થોડીવારમાં મને સામેથી ફોન આવ્યો હતો. મે ટિકિટ રિફંડની વાત કરતા ફોન કરનાર વ્યક્તિએ મને એક લિંક મોકલું છું અને એન્ડ્રોઇડ ફોન પર મળશે તેમ કહ્યું હતું. જેથી મેં મારા એપલ ફોન સીમકાર્ડ મારી પત્નીના મોબાઇલમાં નાખી તપાસતા એક લિંક મળી હતી. આ લીંકમાં મારી પાસે પીએનઆર નંબર તેમજ ટિકિટ રિફંડ માટે બેન્ક એકાઉન્ટનો નંબર માગવામાં આવ્યો હતો. જે મેં નાખતા મારા ખાતામાંથી ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા અને રૂપિયા 1.18 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.