- પાણીની સમસ્યા અંગે પૂછેલા સવાલનો અંગે ગોળગોળ જવાબ આપી વાતને નકારી હતી
વડોદરા મહાનગર પાલિકામાં આજે વૉટર વર્કસ કમિટીની બેઠક મળી હતી. જેમાં શહેરમાં પાણીના પ્રશ્નને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળતું તો ક્યાંક મળે છે તો અસહ્ય ગંદુ આવે છે. આ બાબતને લઇ વિસ્તૃત ચર્ચા કરાવામાં આવી હતી. પાણીની સમસ્યા અંગે પૂછેલા સવાલનો અંગે ગોળગોળ જવાબ આપી વાતને નકારી હતી.
શહેરનાં નાગરિકોને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે અને ચોખ્ખું મળે તેના માટે લાખો રૂપિયા કૉર્પોરેશન ખર્ચ કરતું હોઈ છે ત્યારે પ્રજાના નાણાંનો સદુપયોગ કરવો એ પાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓની જવાબદારી છે. શહેરમાં પાણીની સમસ્યાને લઇ વોટર વર્કસ સમિતિમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. આ સમિતિને અધ્યક્ષને જ યોગ્ય માહિતી ન હોય તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવશે? કેટલા સેમ્પલો લીધા અને ક્યાં સમસ્યા છે? તે બાબતની જ ખબર નથી, ત્યારે પ્રજાના પ્રશ્નો નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે.
હાલમાં શહેરનાં પૂર્વ વિસ્તાર સહિત અનેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી, તો કેટલીક જગ્યાએ પાણી મળે છે પરંતુ, ખૂબ જ દૂષિત હોવાનું અનેક વાર રજૂઆતો કોર્પોરેશનમાં પ્રજાજનો કરતા હોય છે. ત્યારે વોટર વકર્સ સમિતિ દ્વારા યોગ્ય પગલા લેવાય છે કે કેમ અને શહેરની પ્રજાને યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવું આયોજન થાય તે પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
વૉટર વર્ક્સ કમિટીની બેઠકમાં અધ્યક્ષ મહાવીરસિંહ પુરોહિતે જણાવ્યુ હતું કે, ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારની નગરી માટેની જવાબદારી અમારી છે, સાથે જ તેઓને નમૂના ફેલ અંગે પૂછતા તેઓએ જવાબને ફંગોળી કહ્યું કે, તમારા ધ્યાનમાં આવે તો કહેજો એવું કહી સવાલને ટાળ્યો હતો અને આ બાબતે મને ખબર નથી એવો જવાબ આપ્યો હતો. આ સાથે શહેરમાં વોર્ડ નંબર-13માં પાણીની સમસ્યાને લઇ પૂછતા તેઓએ કહ્યું કે, આ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે નિકાલ થાય એવો પ્રયાસ કરીશું.