- તા. 11ના રોજ સાંજના પાણી ઓછા સમય માટે લો પ્રેસરથી અને મોડેથી અપાશે
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદી સ્થિત ફાજલપુર ફ્રેંચ કુવા ખાતે ડીઝલ જનરેટર સેટ તથા તેને લગતી ઈલેક્ટ્રિકલ કામગીરી કરવાની હોવાથી તા. 10ની સાંજે તથા તા. 11ની સવારે સાત ઓવરહેડ પાણી ટાંકી તેમજ નવ બુસ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી મળશે નહીં. આમ, સવાર-સાંજ આશરે પાંચ લાખની વસ્તીને પાણી વિના રહેવું પડશે. એટલું જ નહીં તા. 11 ના રોજ સાંજના ઝોનમાં પાણી ઓછા સમય માટે લો પ્રેસરથી અને મોડેથી અપાશે.
ફાજલપુર કૂવાથી છાણી ગામ 24 કલાક પાણીની ટાંકી, છાણી ટાંકી, સમા, ટીપી 13, સયાજી બાગ, જેલ અને લાલબાગ પાણીની ટાંકી તેમજ નવી ધરતી બુસ્ટર, વિહિકલ બુસ્ટર, વારસિયા, સાધના નગર, બકરાવાડી, જૂની ગઢી, ફતેપુરા અને પરશુરામ બુસ્ટર હેઠળ વિસ્તારમાં બે દિવસ પાણીની તકલીફ સર્જાશે. આ ઉપરાંત નોર્થ હરણી ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી રાજેશ્વર ગોલ્ડ તથા સિદ્ધાર્થ બંગલો તરફના વિસ્તારમાં સાંજે છ વાગે આપવામાં આવે છે.
મહી નદીના કિનારા પર આવેલા રાયકા અને દોડકા ફ્રેંચ કુવા ખાતે વીજ નિગમમાંથી વીજ પુરવઠો બંધ રહેવાના સંજોગોમાં તથા ચોમાસામાં નદીમાં નવું પાણી આવતા રાયકા દોડકા ફ્રેંચ કુવાથી પાણી ઓછું મળે છે, પરિણામે આ ટાંકીના અંડરગ્રાઉન્ડ સંપમાં જરૂરી લેવલ ઊભું કરવા અને સાંજના સમયનું પાણી પહોંચાડવામાં મોડું થાય છે. પરિણામે નોર્થ હરણી ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી વિતરણ આ વિસ્તારમાં સાંજે છ ના બદલે હવેથી સાંજે સાત વાગે શરૂ કરવામાં આવશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.