વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વોર્ડ નં.3માં પાણીના લો પ્રેસરની ખૂબ સમસ્યા હોવાથી તે હલ કરવા માટે પાણીની લાઈનનું નેટવર્ક અપગ્રેડ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલી દરખાસ્ત મુજબ આ કામગીરી માટે 3.16 કરોડનો ખર્ચ થવાનો છે.
વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વોર્ડ નં.3માં સમાવિષ્ટ નોર્થ હરણી પાણી ટાંકી ખાતે હાલમાં 27.15 લાખ લીટર કેપેસીટીની ઉંચી ટાંકી તેમજ 4.75 લાખ લીટર તથા 25 લાખ લીટર કેપેસીટીના કુલ બે ભૂગર્ભ સંપ છે. આ ટાંકીના કમાન્ડ વિસ્તાર હરણી ગામ, સમાનો વિસ્તાર, વુડાના મકાનો, સિદ્ધાર્થ બંગલોઝ વગેરેમાં 24 કલાક પાણીની યોજના હેઠળ પાણી વિતરણ કરવામાં આવે છે. ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આ યોજના હેઠળ પાણી મેળવતા વિસ્તારમાં પાણીના લો-પ્રેશર તથા પાણી ન મળવા અંગેની ફરિયાદો થઈ રહી છે. જેથી પાણી પુરવઠા વિતરણ શાખાની સુચના મુજબ અગાઉ 24 કલાક પાણીની યોજના હેઠળ નાંખવામાં આવેલ પાઇપ લાઇન નેટવર્કમાં જરૂરી અપગ્રેડેશન કરવાની રજુઆત કરવામાં આવતા આ કામગીરી હાથ ધરાશે. એ જ પ્રમાણે કપુરાઈ પાણી ટાંકીમાંથી કપુરાઈ હાઈવે પછી ટીપી 41 અને 42 માં થઈ રહેલા ડેવલોપમેન્ટને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પાણીની ડિમાન્ડ ખૂબ વધવાની હોવાથી પાણીનું નવું નેટવર્ક પણ 4.75 કરોડના ખર્ચે ઉભુ કરવામાં આવનાર છે જેની દરખાસ્ત મંજૂર થઈ છે.