માંજલપુરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 20 જેટલા જોખમી મકાનોના પાણી-વીજળીના કનેક્શન કાપીને સીલ કરાયાં

ગુજરાત હાઉસિંગ બોર્ડના પાર્થ ભૂમિ 1 અને 2 તેમજ મારૂતિધામ સોસાયટીના મકાનો સીલ માર્યા

MailVadodara.com - Water-and-electricity-connections-of-around-20-dangerous-houses-of-Gujarat-Housing-Board-were-cut-and-sealed-in-Manjalpur

- પાલિકાની નોટિસો આપવા છતાં પણ મકાનોનું રિપેરિંગ કામ ન કરનાર મકાન માલિકોમાં ફફડાટ, મકાનોને સીલ મારી દેવામાં આવતા ભાડૂઆતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા

- પોતાનું મકાન સીલ થતાં રહીશોએ હવે અમે ક્યાં રહેવા જઈશું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના 20 જેટલા જોખમી મકાનોના આજે પાણી અને વીજળીના કનેક્શન કાપીને સીલ મારી દેવામાં આવ્યા હતા. વડોદરા કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પાલિકાની મદદ લઈને મકાનોને આપવામાં આવી રહેલી નોટિસોના પગલે વિરોધ થઈ રહ્યો છે.

મળેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પાર્થ ભૂમિ નંબર 1 અને 2 તેમજ મારૂતિધામ સોસાયટીના મકાન માલિકો દ્વારા આ મકાનો ભાડેથી આપી દેવામાં આવ્યા હતા. જે મકાનોમાં હાલ મોટાભાગે ભાડૂઆતો રહે છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ બંને આવાસો ખાતે પહોંચી હતી અને 20 જેટલા મકાનોના પાણી અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા અને મકાનોમાં રહેતા ભાડૂઆતોને મકાનો ખાલી કરવા માટે જણાવ્યું હતું. ભાડૂઆતોએ મકાનો ખાલી કર્યા બાદ આ મકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. મકાનોને સીલ મારી દેવામાં આવતા ભાડૂઆતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા તો કેટલાક મકાન માલિકો જોખમી મકાનોમાં રહેતા હોય તેઓએ હવે અમે ક્યાં રહેવા જઈશું તેઓ વલોપાત કર્યો હતો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

હાઉસિંગ બોર્ડના અધિકારી અમિતભાઈએ જણાવ્યું હતું કે, જોખમી થયેલા આ મકાનનોના માલિકોને અગાઉ પાલિકા દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ મકાન માલિકો દ્વારા મકાનોમાં કોઈ સમારકામ કરવામાં આવ્યું ન હતું. પરિણામે આવનાર દિવસોમાં કોઈ દુર્ઘટના ન થાય તે માટે પાણી અને વીજ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારસુધીમાં 18થી 20 જેટલા મકાનોને સીલ મારવામાં આવ્યા છે અને આ કામગીરી આવનારા દિવસોમાં પણ યથાવત્ રહેશે.

મકાનોના પાણી અને વીજ કનેક્શન કાપવા ઉપરાંત સીલ મારી દેવામાં આવતા પાર્થ ભૂમિમાં 415 નંબરના મકાનમાં રહેતા વૃદ્ધા સરલાબેન પ્રવીણભાઈ કાળેએ જણાવ્યું હતું કે, હાલમાં હું ઘરે એકલી છું. મારા પતિ અને પુત્ર નોકરીએ ગયા છે. આ મકાનોમાં રિનોવેશન કરવા માટે અમોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ મકાનો રિનોવેશન કરાવીને પણ કોઈ મતલબ નથી. કારણ કે આ મકાનોના પાયા હચમચી ગયેલા છે. અમે છેલ્લા 35 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ. આજે અમારા મકાનના પાણી અને વીજ કનેક્શન કાપી નાખવા ઉપરાંત સીલ મારી દેવામાં આવતા અમો હવે ક્યાં રહેવા જઈશું તે મોટો પ્રશ્ન છે. અધિકારીઓને અમે રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા તેમની કામગીરી કરવામાં કરી હતી.

મળેલી માહિતી પ્રમાણે, માંજલપુર વિસ્તારમાં પાર્થ ભૂમિ 1 અને 2 તેમજ મારૂતિધામ સોસાયટીના મકાનોમાં ભાડૂઆત તરીકે રહેતા લોકો એક તબક્કે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરંતુ તેઓના મકાન માલિકો દ્વારા મકાનો રિપેરિંગ કામ કરવામાં આવતું ન હોવાના કારણે ભાડૂઆતોને આજે મકાનો ખાલી કરીને બીજે રહેવા જવાની ફરજ પડી હતી. નોંધનીય બાબત એ છે કે, હાઉસિંગ બોર્ડના મકાન માલિકોને માત્ર ભાડૂ વસૂલ કરવામાં જ રસ છે, પરંતુ તેઓને પોતાના મકાનોને રિપેરિંગ કરવામાં કોઈ રસ નથી. જો કે, હવે તંત્ર દ્વારા શરૂ કરાયેલી કડક કાર્યવાહીના પગલે પાલિકાની નોટિસો આપવા છતાં પણ મકાનોનું રિપેરિંગ કામ ન કરનાર મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના પાર્થ ભૂમિ 1 અને 2 તેમજ મારૂતિધામમાં આવેલા મકાનોના માલિકોને મકાનોમાં રિપેરિંગ કામ કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. પરંતુ મકાન માલિકો દ્વારા મકાનોનું રિપેરિંગ કામ કરવામાં આવતું ન હતું. આ મકાનો જોખમી હોય અને વર્તમાન ચોમાસાની ઋતુમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સંયુક્ત રીતે 20 જેટલા મકાનોના પાણી અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ મકાનોને સીલ પણ મારી દેવામાં આવ્યા છે.

Share :

Leave a Comments