- તબીબોએ યુવાનને બચાવવા અથાગ પ્રયત્નો કર્યા છતાં બચાવી ન શક્યા
સાવલી તાલુકાના વકીલપુરા ગામની સીમમાં આવેલી કંપનીની પાછળ પતરાના રૂમમાં નિંદ્રાધીન યુવાનના ગાલ ઉપર સાપ કરડતા મોત નિપજ્યું હતું. ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા યુવાનને બચાવવા અથાગ પ્રયત્નો કરવા છતાં બચાવી શકાયો ન હતો. આ બનાવથી ગમગીની છવાઇ ગઈ હતી. સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, 19 વર્ષીય ચતરારામ તમાચીયારામ મેઘવાડ રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેદુસર ગામનો વતની હતો અને વકીલપુરા ગ્રીન પ્લાય કંપનીની પાછળ આવેલા પતરાના રૂમમાં રહેતો હતો અને કંપનીમાં કામ કરતો હતો. ગતરાત્રે તે પોતાના રૂમમાં સૂઇ રહ્યો હતો. આ દરમિયાન ચતરારામના મોઢાના જમણી બાજુ પર સાપ કરડ્યાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતો.
આ ઘટના અંગે કમાલખાન નીયાલખાન સિંધીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ભલજીભાઈ દ્વારા કરવામાં આવી હતી. જેમાં યુવાનને ઝેરી સાપ કરડતા આખા શરીરમાં ઝેર પ્રસરી જતાં મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં સાપ, મગર, અજગર રહેણાંક વિસ્તારોમાં નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સાપ કરડવાથી મોત થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાં વધુ એક ઘટના સાવલી તાલુકાના વકીલપુરા ગામમાં બની છે. જેમાં એક યુવાનનુ મોત નિપજ્યું છે.