- દર્દીના સગાને લીલો કલરનો માત્ર એક પાસ મળશે જ્યારે મુલાકાત માટે આવનાર લોકોને પીળા કલરનો માત્ર એક પાસ મળશે
વડોદરાની સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં આવતા દર્દીઓના સગા અને મુલાકાતીઓને ફરજિયાત વિઝિટર પાસ લેવા પડશે. જેમાં દર્દીના સગાને લીલો કલરનો માત્ર એક પાસ મળશે જ્યારે મુલાકાત માટે આવનાર લોકોને પીળા કલરનો માત્ર એક પાસ મળશે.
વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહ ખાતે દર્દીના સગા અને મુલાકાતીઓ ઉપર કાબુ રાખવા માટે વિઝિટર પાસ અમલમાં મૂકવામાં આવનાર છે. લીલા કલરનો એક પાસ દર્દી સાથે આવનાર સગાને મળશે અને પીળા કલરનો એક પાસ દર્દીઓને મળવા આવતા મુલાકાતીઓ અને સગાઓને મળશે. આ પાસ રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહના નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી લેવાનો રહેશે. આ પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે. જોકે, કદાચ મુલાકાતીઓ માટે આ પાસ ટ્રાન્સફરેબલ રાખવામાં આવશે. પ્રાયોગિક ધોરણે રુકમણી ચૈનાની પ્રસુતિગૃહમાં પાસની જોગવાઈની શરૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સમગ્ર સયાજી હોસ્પિટલમાં તમામ બિલ્ડિંગો માટે લાગુ કરવામાં આવશે.
તેઓએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પટલમાં રોકવા સ્વચ્છતા જાળવવા, સિક્યુરિટી વધારવા અને હોસ્પિટલમાં હાઇજેનિક સ્ટાન્ડર્ડ સુધારવા આ અમારો પ્રયાસ છે. હાલ દર્દી સાથે તેના પાંચ સગા હોસ્પિટલમાં આવતા હોય છે અને તેઓ પાન પડીકી ખાઈને થૂંકે છે અને ગંદકી ફેલાવે છે અને દર્દી પાસે જઈને એક પ્રકારનું સંક્રમણ ફેલાવે તે પ્રકારની શક્યતા પણ રહેલી છે. જેથી અમે આ પ્રકારનો પ્રયાસ શરૂ કર્યો છે. ભૂતકાળમાં સયાજી હોસ્પિટલમાં આ પ્રકારના વિઝિટર પાસ હતા.